ભારતે પાકિસ્તાન પર છોડેલી મિસાઈલ અંગે હવે અમેરિકાએ પણ નિવેદન આપ્યું, જાણો શું કહ્યું
થોડા દિવસ પહેલાં ભારત તરફથી પાકિસ્તાનમાં એક મિસાઈલ ભુલથી ફાયર થઈ હતી. આ ઘટના અંગે હવે અમેરિકાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.
થોડા દિવસ પહેલાં ભારત તરફથી પાકિસ્તાનમાં એક મિસાઈલ ભુલથી ફાયર થઈ હતી. આ ઘટના અંગે હવે અમેરિકાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે સોમવારે મીડિયા સાથે વાતચીતમાં આ અંગે કહ્યું હતું કે, ભારત તરફથી મિસાઈલ છોડવામાં આવી તે ફક્ત એક દુર્ઘટના હતી. એ વાતના કોઈ સંકેત નથી મળ્યા કે ભારત તરફથી છોડવામાં આવેલી મિસાઈલ દુર્ઘટના સિવાય બીજું કંઈ હોય. ભારતે ગત શુક્રવારે કહ્યું હતું કે, બે દિવસ પહેલાં ભુલથી એક મિસાઈલ ફાયર થઈ ગઈ હતી જે પાકિસ્તાનમાં પહોંચી ગઈ હતી. ભારતે આ અંગે ખેદ પણ વ્યક્ત કરતાં કહ્યું કે, મેન્ટેન્સની કામગીરી વખતે એક ટેક્નીકલ ખરાબીના કારણે થઈ હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે સોમવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારત તરફથી છોડાયેલી મિસાઈલ માત્ર એક અકસ્માત હતો. એવો કોઈ સંકેત નથી કે, તે અકસ્માત સિવાય બીજું કંઈ હતું કારણ કે, તમે અમારા ભારતીય ભાગીદારો પાસેથી સાંભળ્યું છે કે, તે એક અકસ્માત સિવાય બીજું કંઈ નથી. પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતીય સંરક્ષણ મંત્રાલયે 9 માર્ચે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે, શું થયું હતું. અમે આ અંગે વધુ ટિપ્પણી નહી કરીએ.
પાકિસ્તાને એરસ્પેસના ઉલ્લંઘનનો દાવો કર્યો હતોઃ
પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે, આ મિસાઈલ ભારતના સિરસાથી ઉડી હતી અને થોડા સમય પછી મિસાઈલ પોતાની દિશા બદલીને પાકિસ્તાન તરફ વળી હતી. આ મિસાઈલ પાકિસ્તાનના મિયાં ચન્નુ વિસ્તારમાં પડી હતી. જોકે, ભારત અને પાકિસ્તાન બંને તરફથી એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કઈ મિસાઈલે પાકિસ્તાનની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને ભારતને કહ્યું હતું કે, તેણે કઈ મિસાઈલ છોડી છે. પાકિસ્તાન તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની વાયુસેના ભારત તરફથી આવતા ઓબ્જેક્ટ (પદાર્થો)પર નજર રાખી રહી છે.