Crude Oil : ભારતને લાગી શકે છે જોરદાર ઝટકો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં આગના એંધાણ!
વિશ્વના ક્રૂડ ઓઈલમાં OPEC+નો હિસ્સો લગભગ 40% છે અને તેના નિર્ણયો તેલની કિંમતો પર મોટી અસર કરી શકે છે.
Saudi Arabia pledges Cut in Oil Production : સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ તેલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC+એ તેલ ઉત્પાદનમાં ભારે કાપની જાહેરાત કરી છે. સાઉદીએ કહ્યું છે કે, તે જુલાઈમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકશે. ત્યારબાદ એશિયન ઓઈલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. ઓપેક પ્લસે એમ પણ કહ્યું છે કે, 2024માં તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો આ લક્ષ્યાંક વધારીને 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરવામાં આવશે. જેની ભારત પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.
વિશ્વના ક્રૂડ ઓઈલમાં OPEC+નો હિસ્સો લગભગ 40% છે અને તેના નિર્ણયો તેલની કિંમતો પર મોટી અસર કરી શકે છે. OPEC પ્લસ એ 13 તેલ ઉત્પાદક દેશોનું સંગઠન છે જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, રશિયા, ઈરાન, ઈરાક, કુવૈત વગેરે દેશોનો સમાવેશ થાય છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર, તેલ ઉત્પાદનમાં કાપની અસર સોમવારે એશિયાઈ બજારમાં પણ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 2.4% વધીને પ્રતિ બેરલ $77 પર પહોંચી ગઈ હતી. રવિવારે રશિયાના નેતૃત્વમાં ઓપેક પ્લસની બેઠક યોજાઈ હતી જેમાં તેલ સમૃદ્ધ દેશોએ તેલની ઘટતી કિંમતો વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી.
રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું હતું કે, ઓપેક પ્લસએ ઓક્ટોબર 2022થી તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી કુલ ઉત્પાદનમાં ઘટાડો પ્રતિ દિવસ 3.66 મિલિયન બેરલ પર પહોંચી ગયો છે. ઓપેક પ્લસ પહેલાથી જ તેલના ઉત્પાદનમાં પ્રતિ દિવસ 20 લાખ બેરલનો ઘટાડો કરી ચૂક્યું છે, જે વૈશ્વિક માંગના લગભગ 2% હતું.
ઓઇલ માર્કેટમાં સાઉદીની 'લોલીપોપ'
એપ્રિલમાં જ OPEC પ્લસએ તેલના ઉત્પાદનમાં દરરોજ 1.6 મિલિયન બેરલનો ઘટાડો કર્યો હતો જે મેથી અમલી બન્યો હતો. સાઉદી અરેબિયાએ દરરોજ પાંચ લાખ બેરલ અને ઈરાકે 2 લાખ 11 હજાર બેરલનો કાપ મૂક્યો હતો. તેલના ભાવને વેગ આપવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું પરંતુ માત્ર થોડા સમય માટે ભાવ ઊંચા રહ્યા હતા અને કોઈ કાયમી સુધારો જોવા મળ્યો ન હતો. તેને જોતા ઓપેક પ્લસે ફરી એકવાર તેલની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે.
બીબીસીના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને રવિવારે કહ્યું હતું કે, જો જરૂર પડશે તો જુલાઈ પછીના મહિનામાં તેલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો ઘટાડો ચાલુ રાખવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે, 'આ એક સાઉદી લોલીપોપ છે જેને માર્કેટને સ્થિર કરવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.'
ઓપેક પ્લસની બે દિવસીય બેઠક શરૂ થાય તે પહેલા જ એવી ધારણા હતી કે, ઓપેક પ્લસ તેલના ભાવ વધારવા માટે ઉત્પાદનમાં ઘટાડો કરશે, પરંતુ એવું લાગે છે કે મોટાભાગના સભ્ય દેશો તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવા માંગતા ન હતા. તેલ ઉત્પાદનમાં ઘટાડો દેશોની આવકને અસર કરે છે, તેથી જ ઘણા દેશો તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવા માંગતા ન હતા.
ભારત પર શું થશે અસર?
સાઉદી અરેબિયાના આ પગલાથી આગામી મહિનાઓમાં તેલના ભાવમાં વધારો થશે અને માંગમાં અનિશ્ચિતતા સર્જાશે. ભારત વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે અને તેની અર્થવ્યવસ્થા તેલ પર આધારિત છે. જો તેલનું ઉત્પાદન ઘટશે તો બજારમાં તેલના ભાવ વધશે. તેલની વધતી કિંમતોને કારણે ભારતના અર્થતંત્રને અસર થઈ શકે છે. એવી આશંકા છે કે આ ઘટાડાને કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી વધુ વધી શકે છે.