પાકિસ્તાની સૈન્યનો દાવો- ભારત તરફથી ફાયર કરવામાં આવી 'મિસાઇલ', પાકિસ્તાને ભારતીય રાજદૂતને મોકલ્યુ સમન્સ
પાકિસ્તાની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેણે કથિત રીતે ભારતથી તેના એરસ્પેસમાં આવી રહેલી એક મિસાઈલ શોધી કાઢી હતી જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી
નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેણે કથિત રીતે ભારતથી તેના એરસ્પેસમાં આવી રહેલી એક મિસાઈલ શોધી કાઢી હતી જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે મીડિયાને જણાવ્યું હતું કે 9 માર્ચે સાંજે 6.43 કલાકે એક હાઇ-સ્પીડ ઑબ્જેક્ટે ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી હતી અને રસ્તો ભટકાઇને પાકિસ્તાની ક્ષેત્રમાં પડ્યુ હતું.
પાકિસ્તાનના એર ડિફેન્સે ટ્રેક કર્યો
પાકિસ્તાનનો આરોપ છે કે 9 માર્ચે ભારત તરફથી 'સુપરસોનિક પ્રોજેક્ટાઇલ (ફ્લાઇંગ ઓબ્જેક્ટ) ફાયર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનને આશંકા હતી કે તે સુપરસોનિક મિસાઈલ છે જે હરિયાણાના સિરસાથી છોડવામાં આવી હતી. સિરસામાં ભારતીય વાયુસેનાનું મહત્વનું એરબેઝ છે. પાકિસ્તાનના એર-ડિફેન્સ દ્વારા તેનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRના ડીજીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ મિસાઈલ વૉર હેડ (એટલે કે તેમાં ગનપાઉડર નહોતો અને તેને પ્રેક્ટિસ માટે છોડવામાં આવી હતી.) વિનાની હતી અને રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગમાં પડવાની હતી પરંતુ તે પાકિસ્તાનના મિયા ચુન્નુ વિસ્તારમાં પડી હતી. પાકિસ્તાનનો આરોપ છે કે તેનાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તે ઇન્ટરનેશનલ એવિયેશન સેફ્ટીના વિરોધમાં છે અને તેનાથી મોટી દુર્ઘટના થઈ શકી હોત.
ફ્લાઇંગ ઓબ્જેક્ટના પડવાથી થોડું નુકસાન થયું હતું, પરંતુ તેમાં કોઈનું મૃત્યુ થયું નથી. મેજર જનરલ ઈફ્તિખારે જણાવ્યું કે બુધવારે રાત્રે પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ વિસ્તારમાં અજાણી વસ્તુ (મિસાઈલ) પડી હતી.
તેને સપાટી પરથી લોન્ચ કરવામાં આવી હતી. જેની જાણ થતા જ પાકિસ્તાની વાયુસેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મિસાઈલે પાકિસ્તાન અને ભારત બંને દેશના નાગરિકોને જોખમમાં મુકી દીધા હતા. ભારતે જણાવવું જોઈએ કે તેનું કારણ શું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય રાજદ્વારીને આ ઘટના અંગે સમન્સ પાઠવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવી બેજવાબદાર ઘટનાઓ હવાઈ સુરક્ષા પ્રત્યે ભારતની અવગણના અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે. પાકિસ્તાને આ ઘટનાની સંપૂર્ણ અને પારદર્શક તપાસની માંગ કરી છે.
પાકિસ્તાનના દાવા પર ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. આ ઘટનાના કારણે જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે. "9 માર્ચ 2022 ના રોજ ટેકનિકલ ખામીના કારણે મિસાઇલનું આકસ્મિક ફાયર થઇ હતી. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકારે ગંભીરતાથી વિચાર કર્યો છે અને ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે."