Iran-Israel: ઇઝરાયેલ સાથે યુદ્ધમાં કેમ નથી ઉતરતું ઇરાન ? સામે આવ્યું મોટુ કારણ, આ 'ત્રણ પડકારો'થી બંધાયેલું છે ઇરાન
Iran-Israel News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ખરાબ સંબંધોનો ઈતિહાસ ઘણા દાયકાઓ જૂનો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે
Iran-Israel News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ખરાબ સંબંધોનો ઈતિહાસ ઘણા દાયકાઓ જૂનો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે. જ્યારથી ઈઝરાયેલે તેહરાનમાં ઘૂસીને હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી છે ત્યારથી બંને દેશ એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. જોકે, ઈઝરાયલે સત્તાવાર રીતે હાનિયાના મૃત્યુની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ બધા માને છે કે માત્ર ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ જ આ હત્યાને અંજામ આપી શકે છે.
જો કે, ઈરાન ઈઝરાયેલ પાસેથી બદલો લેવા માટે તલપાપડ દેખાઈ રહ્યું હોવા છતાં સત્ય બિલકુલ ઊલટું છે. જેરુસલેમ પૉસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈરાનના ઈસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)ના સ્થાપક મોહસિન સાજેગારાએ કહ્યું છે કે તેમનો દેશ ઈઝરાયેલ સાથે લાંબા ગાળાનું યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. ઈરાને કટ્ટર દુશ્મન અમેરિકાને તેના પર મોટાપાયે ઈઝરાયેલના હુમલાને રોકવા માટે દરમિયાનગીરી કરવા કહ્યું છે.
ઇઝરાયેલ પર હુમલો કરવા માગતો હતો સુપ્રીમ લીડર, પછી કેમ બદલ્યો પ્લાન ?
મોહસિન સાજેગારાએ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષો અને સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઇના પડકારો વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે ઈઝરાયેલ પર હુમલો કરવાની યોજના કેમ મોકૂફ રાખવામાં આવી. તેમને બતાવ્યુ કે, કેમ ઇઝરાયેલ પર હુમલાનો પ્લાન ટાળી દીધો. તેમને કહ્યું કે, ઇઝરાયેલે જે કર્યુ, તેહરાનમાં કેન્દ્રમાં જઇને ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી. તે પણ તેહરાનની સૌથી સુરક્ષિત ઇમારતમાં. આ હત્યા ઇરાનના ગુપ્તચર સંગઠનોનું અપમાન હતુ. આને ખામેનઇ માટે તેના મુખ્ય પાવરબેઝ એટલે કે ગુપ્તચર સેવાઓ માટે એક સમસ્યા પેદા કરી દીધી છે.
મોહસિન સાજેગારા સમજાવે છે, "ખામેનેઇની પ્રથમ પ્રતિક્રિયા હુમલો કરવો અને તેને ચાલુ રાખવાની હતી. પરંતુ જ્યારે તેમણે તેમના સૈન્ય કમાન્ડરો અને IRGC નિષ્ણાતોની સલાહ લીધી અને તેમને પૂછ્યું કે શું કરવું જોઈએ, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ઈરાન ઈઝરાયેલ સામે લડવા માટે કોઈ સ્થિતિમાં નથી. તેમની પાસે કોઈ વ્યૂહાત્મક સંતુલન નથી. તેઓ ઇઝરાયલ પર હાઇપરસૉનિક મિસાઇલથી હુમલો કરી શકે છે, જે છથી આઠ મિનિટમાં ત્યાં પહોંચી જશે. પરંતુ જો ઇઝરાયેલ હુમલો કરશે તો ઇરાન બચી નહીં શકે.
IRGCના સ્થાપકે કહ્યું કે ખામેનેઇને કહેવામાં આવ્યું હતું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી મજબૂત નથી. ઈરાન ઈઝરાયેલ સામે લડવાની સ્થિતિમાં નથી. સૈન્ય અધિકારીઓએ ખામનેઇએ કહ્યું કે જો અમે હુમલો કરીએ તો પણ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ઇચ્છતા દેશો દ્વારા તરત જ યુદ્ધવિરામ પર વિચાર કરવો પડી શકે છે. માનવામાં આવે છે કે આ જ કારણસર ખામનેઇએ ઈઝરાયેલ પર હુમલો કરવાની યોજના રદ્દ કરી દીધી હતી.
અમેરિકા સાથે પડદા પાછળ વાત કરી રહ્યું છે ઇરાન - મોહસિન સાજેગારા
મોહસિન સાજેગારાએ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવમાં અમેરિકાની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, "જ્યાં સુધી મને ખબર છે, ઈરાને યુએસ અને રાષ્ટ્રપતિ જો બાઇડેનના વહીવટીતંત્ર સાથે પડદા પાછળ વાત કરી છે. ઈરાની અધિકારીઓએ અમેરિકાને ઈઝરાયેલ સાથે વાત કરવા અને તેને જણાવવા કહ્યું કે ઈરાન ઈઝરાયેલમાં ક્યાંક હુમલો કરશે. પરંતુ તે વચન આપે છે કે આમાં કોઈ મૃત્યુ પામશે નહીં, બદલામાં ઇઝરાયેલ ઈરાન સામે પગલાં લેશે નહીં.
મોહસિન સાજેગારાએ કહ્યું, "ઈરાને અમેરિકાને ઈઝરાયેલ પર એટલી મોટી જવાબી કાર્યવાહી ના કરવા માટે દબાણ લાવવા કહ્યું કે જેનાથી મામલો વધી જાય, પરંતુ આ વખતે અમેરિકા સહમત ન થયું અને તેમને (ઈરાન)ને કહ્યું કે અમે ઈઝરાયેલને રોકી શકતા નથી."
અમેરિકાએ IRGC ને જાહેર કર્યુ છે આતંકી સંગઠન
1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી તરત જ ઇરાનમાં IRGCની સ્થાપના કરવામાં આવી હતી, જેથી દેશને નિયંત્રિત કરી શકાય. IRGCનું કામ ઈરાની સેના સાથે સંતુલન બનાવવાનું પણ હતું, કારણ કે સેનામાં ઘણા અધિકારીઓ ઈરાનના શાહના સમર્થક હતા. આવી સ્થિતિમાં ઇસ્લામિક શાસન કોઈપણ સંજોગોમાં સેના પર વિશ્વાસ કરવા માંગતું ન હતું. IRGCને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. મોહસિન IRGCના સ્થાપકોમાંથી એક છે. તે 20 વર્ષ પહેલા ઈરાન છોડીને અમેરિકા ગયો હતો અને ત્યાં સ્થાયી થયો હતો.
ઇરાનના સુપ્રીમ લીડર સામે શું પડકારો છે ?
સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામનેઇની સામે ત્રણ મોટા પડકારો છે. આમાં પહેલો પડકાર એ છે કે જો ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરે છે અને તેના જવાબમાં તેના પર મોટો હુમલો થાય છે તો ઈરાની સેનાને હારનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ખામનેઇ સત્તા ગુમાવી શકે છે.
બીજો પડકાર ઈરાનની અર્થવ્યવસ્થા છે, જે હાલમાં નાજુક સ્થિતિમાં છે. દેશમાં ઉર્જા ઉત્પાદન, મોંઘવારી, બેરોજગારી અને રોજેરોજની હડતાલ જેવી સમસ્યાઓ છે. આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ખામેનેઇ ઈચ્છે તો પણ ઈરાનને યુદ્ધની આગમાં ફેંકી શકે નહીં.
ત્રીજો પડકાર એ છે કે ખામેનેઇને યુદ્ધ માટે લોકોનું સમર્થન નથી મળી રહ્યું. ગુપ્તચર માહિતી દર્શાવે છે કે સામાન્ય લોકો કોઈ પણ સંજોગોમાં ઈઝરાયેલ સાથે યુદ્ધ માટે તૈયાર નથી. જો તે યુદ્ધમાં જાય છે, તો જનતા તેની સામે બળવો કરી શકે છે, જે એક મોટી સમસ્યા સાબિત થશે.