‘અમને ઇઝરાયલથી કોણ બચાવશે?' ઇરાનના રાષ્ટ્રપતિએ કહ્યું – સુરક્ષાની ખાતરી આપો તો અમે ન્યૂક્લિયર પ્રોગ્રામ....
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં તણાવ વધ્યો: ઇરાનના રાષ્ટ્રપતિએ માંગણી કરી કે જો ઇઝરાયલ તેમના પરમાણુ સ્થળો પર હુમલો નહીં કરવાની ખાતરી નહીં આપે, તો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ઘટાડવામાં નહીં આવે.

Iran Israel tensions: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને એક સનસનાટીપૂર્ણ નિવેદન આપતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર જગાવી છે. ગુરુવારે (25 સપ્ટેમ્બર) ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "ઇઝરાયલ આપણા પરમાણુ સ્થળો પર હુમલો નહીં કરે તેની ગેરંટી કોણ આપશે?" તેમણે ચેતવણી આપી કે જ્યાં સુધી આવી સુરક્ષા ખાતરી નહીં મળે, ત્યાં સુધી તેહરાન યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમનું સ્તર ઘટાડવા પર વિચાર કરશે નહીં. જોકે, તેમણે આ સાથે પુનરોચ્ચાર કર્યો કે ઇરાન ક્યારેય પરમાણુ બોમ્બ બનાવશે નહીં અને તે NPT (પરમાણુ અપ્રસાર સંધિ)માંથી બહાર પણ નહીં નીકળે.
UNG Aમાં પ્રતિબંધો અને તણાવમાં વધારો
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના આરોપો-પ્રત્યારોપોમાં તીવ્ર વધારો થયો છે. બ્રિટનના યુએન રાજદૂત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 26 સપ્ટેમ્બરથી ઇરાન પર યુએન પ્રતિબંધો ફરીથી લાગુ કરવામાં આવશે. જોકે, રશિયા અને ચીને આ ઠરાવમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો. ઇરાને પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે આ પ્રતિબંધોના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ઇઝરાયલનો આકરો વિરોધ અને ભૂતકાળના હુમલા
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ UNGA માં વિશ્વ સમુદાયને અપીલ કરી હતી કે ઇરાનને તેના પરમાણુ અને લશ્કરી કાર્યક્રમોને ફરીથી જીવંત કરવાની મંજૂરી ન આપવી જોઈએ. તેમણે સંકેત આપ્યો હતો કે ઇઝરાયલ, અમેરિકાના સહયોગથી, ઇરાન પર દબાણ વધારવાનું ચાલુ રાખશે.
નોંધનીય છે કે, જૂન 2025માં ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાની પરમાણુ સ્થળો પર હવાઈ હુમલા પણ કર્યા હતા, જે દર્શાવે છે કે ઇઝરાયલ આ મુદ્દે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. બીજી તરફ, ઇરાન દલીલ કરે છે કે તેને NPT સભ્ય દેશોની જેમ જ યુરેનિયમ સંવર્ધનનો અધિકાર છે, પરંતુ તે માત્ર શાંતિપૂર્ણ ઉર્જા ઉત્પાદન માટે છે.
વૈશ્વિક અસર અને સંઘર્ષનો ખતરો
અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે ઇરાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ સંઘર્ષ કરી રહી છે. જો નવા યુએન પ્રતિબંધો સખત રીતે લાગુ કરવામાં આવશે, તો તેહરાન વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. ઇઝરાયલનો મજબૂત વિરોધ અને યુએસનો સમર્થન આ પરમાણુ વિવાદને મધ્ય પૂર્વમાં એક મોટા સંઘર્ષ તરફ દોરી શકે છે, જેની વૈશ્વિક અસર પણ થઈ શકે છે.





















