Israel : રશિયા-યુક્રેનના કકળાટ વચ્ચે ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરવાની ફિરાકમાં
રશિયા-યુક્રેન યુદ્ધનો કકળાટ હજી શાંત નથી થયો ત્યાં હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભો થઈ રહી છે.
Israel plans to Attack : રશિયા-યુક્રેન યુદ્ધનો કકળાટ હજી શાંત નથી થયો ત્યાં હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભો થઈ રહી છે. તાજેતરમાં જ સીરિયામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં બે ઈરાની લશ્કરી સલાહકારો માર્યા ગયા છે. હુમલા બાદ વધતા પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને દેશના બે સૌથી મોટા એરપોર્ટની સેવાઓ અસ્થાયી રૂપે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈઝરાયેલ ઈરાન પર વધુ હુમલો કરવા જઈ રહ્યું છે. સાથે જ ઈરાન પણ હુમલાનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલમાં પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ઈરાનની આઈઆરજીસીની એરોસ્પેસ ફોર્સ પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્રમાંથી પસાર થતા જહાજો પર ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી રહી છે. IRGC સાથે સંકળાયેલા એક ઈરાની રાજકીય વ્યૂહરચનાકારે ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અખબારને જણાવ્યું હતું કે, સીરિયામાં અગાઉ થયેલા હુમલાનો બદલો લેવા માટે યોજના બનાવવામાં આવી હતી.
ઈરાન અને ઈઝરાયેલની દુશ્મની જૂની
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે દુશ્મનાવટ નવી નથી. વર્ષ 1979માં ઈરાનની ક્રાંતિએ કટ્ટરપંથીઓને સત્તામાં આવવાની તક આપી અને ત્યારથી ઈરાનના નેતાઓ ઈઝરાયેલને દુનિયાના નકશામાંથી ખતમ કરી નાખવાની વાત કરી રહ્યા છે. તો બીજી બાજુ ઈઝરાયેલ પણ ઈરાનને ખતરો માને છે. ઈઝરાયેલ હંમેશા ઈરાનના પરમાણુ હથિયારો પર નારાજગી વ્યક્ત કરે છે. આ નારાજગીમાં ઈઝરાયેલે કથિત રીતે નેસિરિયામાં અનેક હવાઈ હુમલા કર્યા છે જેમાં ઈરાનના ઘણા સૈન્ય સલાહકારોના મોત થયા છે. સીરિયામાં થયેલા આ હુમલા બાદ ઈરાને બદલો લેવાનું નક્કી કર્યું છે.
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં સીરિયા સાથે શું જોડાણ?
સીરિયામાં 2011થી યુદ્ધની સ્થિતિ યથાવત છે. સીરિયામાં બશર અલ-અસદની સરકાર છે. ત્યાંના લોકો સરકારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. વિદ્રોહી લડવૈયાઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ઈઝરાયેલે પોતાનું અંતર જાળવી રાખ્યું છે. જ્યારે ઈરાન સીરિયાના બશર અલ-અસદના શાસનનું સમર્થન કરે છે. તે વિદ્રોહીઓ સાથે સરકારની લડાઈમાં બશર અલ-અસદને મદદ કરી રહ્યું છે.
તો બીજી બાજુ ઈઝરાયેલે ઘણી વખત પુનરોચ્ચાર કર્યો છે કે, તે ઈરાનને સીરિયામાં સૈન્ય મથક બનાવવાની મંજૂરી નહીં આપે. જેનો ઉપયોગ તેની સામે થઈ શકે છે. તેથી જેમ જેમ સીરિયામાં ઈરાનની હાજરી વધી રહી છે તેમ તેમ ઈરાનીઓને નિશાનો પર ઈઝરાયેલના હુમલા પણ વધી રહ્યા છે.
ઇઝરાયેલ ઈરાન વિરૂદ્ધ કાર્યવાહી માટે તૈયાર
ઈઝરાયેલના આર્મી રેડિયોને આપેલા ઈન્ટરવ્યુમાં એરફોર્સ ચીફે કહ્યું હતું કે, અમે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારી પાસે શક્તિ છે અને અમે હજારો કિલોમીટર દૂર કોઈપણ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી શકીએ છીએ. અન્ય એક પ્રશ્નના જવાબમાં ઈઝરાયેલના વાયુસેનાના વડાએ કહ્યું હતું કે, અમે સારી રીતે જાણીએ છીએ કે એકલા હુમલો કેવી રીતે કરવો અને તેમાં સફળતા કેવી રીતે મેળવી શકાય. આ મિશનમાં અમેરિકા અમને સાથ આપે તો સારું રહેશે. જો તે તેમાં ભાગ ન લે તો પણ કોઈ વાંધો નથી. ઈઝરાયેલ પોતાના દમ પર આવા મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવાની તાકાત ધરાવે છે.
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત પર કેવી અસર પડશે?
29 જાન્યુઆરી 2021ના રોજ, દિલ્હીના ઉચ્ચ સુરક્ષા રાજદ્વારી વિસ્તારમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર એક નાનું IED ઉપકરણ વિસ્ફોટ થયો. બોમ્બના વિસ્ફોટથી 2012ના કાર બોમ્બ વિસ્ફોટની યાદો તાજી થઈ ગઈ. આ અકસ્માતમાં ભારતમાં ઇઝરાયેલના કોન્સ્યુલની પત્ની તાલ યેહોશુઆ-કોરેનને ઇજા થઇ હતી. 26 માર્ચ 2012ના રોજ અરબી સમુદ્રમાં ભારત જઈ રહેલા ઈઝરાયેલના જહાજને નિશાન બનાવીને મિસાઈલ છોડવામાં આવી હતી.
આ હુમલા બાદ ભારતીય પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે હુમલાની યોજના બનાવી હતી. જો કે હજુ સુધી તેની સાર્વજનિક પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ આ ચિંતાજનક ઘટનાક્રમ ચોક્કસપણે એ હકીકત તરફ ઈશારો કરે છે કે, ઈઝરાયલીઓએ ભારતીય ધરતી પર ઈરાન તરફથી મોટા સુરક્ષા જોખમોનો સામનો કરવો પડશે. જો ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો આ ખતરો વધુ મોટો થઈ શકે છે. ઈરાની ઈન્ટેલિજન્સ અને હિટ સ્કવોડ્સે ઈઝરાયેલ, ઈઝરાયેલની સુરક્ષા સુવિધાઓ અને વિશ્વભરના યહૂદી સમુદાયોને નિશાન બનાવ્યા છે, પરંતુ ભારતને ક્યારેય તેની ધરતી પર આવા હુમલાની અપેક્ષા નહોતી.
બીજું, ઈઝરાયેલ હાલમાં ભારતનું મુખ્ય વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક ભાગીદાર છે. ઈઝરાયેલમાં બનેલા સંરક્ષણ સાધનોનો ઉપયોગ ભારતીય સેના કરે છે. ભારત અને ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકબીજાને સાથ આપતા રહ્યા છે. મોદી સરકારે ઈઝરાયેલ સાથેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે.