(Source: Poll of Polls)
Pakistan Crisis : પાકિસ્તાનની આબરૂના લીરે લીરા, છેલ્લી ઘડીએ UAEના રાષ્ટ્રપતિ ઈસ્લામાબાદ ના આવ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફના કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, UAEના રાષ્ટ્રપતિએ 'ખરાબ હવામાન'ના કારણે તેમની ઈસ્લામાબાદની મુલાકાત રદ કરી છે.
Pakistan Crisis UAE: આર્થિક હોય કે રાજકીય મોર્ચો, પાકિસ્તાનને ભાગે ચારેકોરથી નાલેશી, હતાશા અને બેઈજ્જતિ જ આવી રહી છે. એક તરફ દુનિયાભરમાં કટોરો લઈને ફરવા છતાંયે કોઈ ફદિયું યે નથી આપી રહ્યું ને બીજી બાજુ જેમના તરફ પાકિસ્તાન ચાતક નજરે આશા રાખીને બેઠું છે ત્યાંથી પણ તેને બેઆબરૂ થવાનો વારો આવ્યો છે. લોન માટે રીતરસના ઢિંચણીયે પડી કુરનિશ વગાડી રહેલી પાકિસ્તાન સરકારને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને શહેબાઝ શરીફને મોટો ઝટકો આપ્યો છે.
શેખ મોહમ્મદે આજે નિર્ધારિત પાકિસ્તાનની મુલાકાત છેલ્લી ઘડીએ અચાનક જ રદ કરી દીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફના કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, UAEના રાષ્ટ્રપતિએ 'ખરાબ હવામાન'ના કારણે તેમની ઈસ્લામાબાદની મુલાકાત રદ કરી છે. UAEના આ નિર્ણયને કારણે કંગાળ પાકિસ્તાનની ભારે બેઈજ્જતી થઈ છે. UAEના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પાકિસ્તાને રીતસરની લાલ જાજમ પાંથરી હતી. શાહબાજે તો શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને ખુશ કરવા ઈસ્લામાબાદની શાળાઓ સહિત આખા શહેરમાં એક દિવસ માટે રજાની પણ જાહેરાત કરી દીધી હતી.
એટલું જ નહીં, પાકિસ્તાન સરકારે શેખ મોહમ્મદને ખુશ કરવા માટે JF-17 ફાઈટર જેટથી તેમનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો હતો. શાહબાઝ સરકારની આ યોજના પર જ પાણી ફરી વળ્યું હતું. UAEના આ નિર્ણયથી પાકિસ્તાની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. પાકિસ્તાની વિશ્લેષકોનું કહેવું છે કે UAE કે જેના માટે પાકિસ્તાનની સરકાર રીતસરની ઘુંટણીયે પડી છે તેણે પાકિસ્તાનને આંચકો આપ્યો છે. પાકિસ્તાની અખબાર ડૉનમાં પત્રકાર બકીર સજ્જાદ કહે છે કે, દુનિયાનો કયો દેશ હશે જ્યાં વિદેશી નેતાના આગમન પર આખા શહેરને બંધ કરી દેવામાં આવ્યું હોય?
કંગાળ પાકિસ્તાનને UAE પાસે લોન માટે લાળ ટપકાવી રહ્યું હતું
સજ્જાદે કહ્યું હતું કે, તેનાથી વધુ શરમજનક વાત એ છે કે UAEના રાષ્ટ્રપતિએ ઈસ્લામાબાદમાં ખરાબ હવામાનનું બહાનું કાઢીને જે યાત્રા રદ્દ કરી નાખી છે પરંતુ હકીકતે તો ઇસ્લામાબાદમાં આવું કઈં છે જ નહીં. પાકિસ્તાનના પીએમઓએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મુલાકાત સ્થગિત કરી દેવામાં આવી છે. UAEના રાષ્ટ્રપતિ 25 જાન્યુઆરીએ પાકિસ્તાનની એક દિવસની અંગત મુલાકાતે આવવાના હતા. શાહબાઝ શરીફ પોતે તેમના સ્વાગતની તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી. પાકિસ્તાન કોઈ પણ ભોગે યુએઈના રાષ્ટ્રપતિને ખુશ કરવા અને તેમની પાસેથી વધુ લોન લેવા આતુર હતું પરંતુ તેને આકરો ઝાટકો લાગ્યો છે.
UAEએ પાકિસ્તાનની આ ઈચ્છાઓ પર જ ઠંડુ પાણી રેડી દીધું છે. આ પ્રવાસ રદ્દ થયા બાદ પાકિસ્તાને દાવો કર્યો છે કે, તે ભવિષ્યમાં ફરી શેડ્યૂલ કરવામાં આવશે અને ટૂંક સમયમાં પ્રવાસની તારીખ નક્કી કરવામાં આવશે. પાકિસ્તાની PMOએ કહ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે મહેમાનની સુરક્ષા જોખમાઈ શકે છે. UAEના રાષ્ટ્રપતિએ તેમની મુલાકાત રદ્દ થયાની માહિતી આપી છે.
આ અગાઉ શાહબાઝ શરીફે UAEની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, તેઓ લોન માંગવા માંગતા નથી પરંતુ તેમણે મજબૂરીમાં માંગવી પડી છે. શાહબાઝનું આ નિવેદન વાયરલ થયું હતું.