Pakistan: ઈમરાને ફરી ભારતના કર્યા ભરોભાર વખાણ ને શાહબાઝને ગણાવ્યા 'ગુલામ'
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના ભારોભાર વખાણ કર્યા હતાં. ઈમરાન શાહબાઝ સરકારને ઘેરવા માટે ભારતના વખાણ કરતા કહ્યું હતું કે...
Imran Khan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના ભારોભાર વખાણ કર્યા હતાં. ઈમરાન ખાને શાહબાઝ સરકારને ઘેરવા માટે ભારતના વખાણ કરતા કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન સાથે જ આઝાદ થયા હતાં પણ ભારતની વિદેશનીતિમાં મોટો ફરક છે. તેમણે ભારતીય વિદેશનીતિનું ઉદાહરણ આપતા પાકિસ્તાનની વર્તમાન સરકારને ગુલામ ગણાવી હતી. ઈમરાન ખાને પાર્ટીની લોંગ માર્ચને વીડિયો લિંકન માધ્યમથી સંબોધતા આમ કહ્યું હતું.
પાકિસ્તાન તહરીક--ઈન્સાફ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેના પર કોઈનું પણ દબાણ નથી. આપણે ભારત પાસેથી શિખવાની જરૂર છે. ભારત ક્વાડમાં અમેરિકાની સાથે જરૂર છે તેમ છતાંયે તે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે. ગત એપ્રિલ મહિનામાં જ ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતાં. ત્યારથી તેઓ સતત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા બદલ અનેકવાર જાહેરમાં ભારતના બે મોઢે વખાણ કરી ચુક્યા છે.
ભારતના વખાણ કરતા ઇમરાને કહ્યું, 'દુઃખની વાત છે કે મારે ભારતનું ઉદાહરણ આપવું પડી રહ્યું છે. તેઓ આપણી સાથે જ આઝાદ થતા હતા, પણ ભારતના નિર્ણયો અને વિદેશ નીતિ જુઓ, આઝાદ વિદેશ નીતિ છે. ભારતેસ્પષ્ટપણે કહી દીધું છે કે, અમે રશિયા પાસેથી તેલ ખરીદીશું. અમારૂ ક્વાડમાં અમેરિકા સાથે ગઠબંધન જરૂર છે પરંતુ અમે રશિયા પાસેથી તેલ લઈશું કારણ કે, અમારા લોકોને સસ્તા તેલની જરૂર છે. અમે અમારા લોકો પર મોંઘવારીનો બોજ નાખી ના શકીએ. ભારત અડગ રહ્યું, અમેરિકા ગુસ્સે થયું પણ આખરે અમેરિકાએ સ્વીકારવું જ પડ્યું.
આ ગુલામોને શરમ પણ નથી
ઈમરાને શાહબઝ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, અમે પણ આમ જ કર્યું હતું, પરંતુ આ ગુલામો જેમને ઉપર બેસાડવામાં આવ્યા છે, જેઓ ષડયંત્ર હેઠળ આવ્યા છે. સાત મહિના થઈ ગયા છે પણ તેમને શરમ નથી આવતી કે લોકો મોંઘવારીમાં ડૂબી ગયા છે પરંતુ તેમણે રશિયા પાસેથી ક્રુડ નથી ખરીદ્યું. જોકે આ પહેલીવાર નથી કે ઈમરાને શેહબાઝ સરકારની ટીકા અને ભારતની પ્રશંસા કરી હોય. ગયા મહિને પણ ઈમરાન ખાને ભારતના વિદેશમંત્રી એસ જયશંકર દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના પ્રશ્ન પર યુરોપને યોગ્ય જવાબ આપવા બદલ કહ્યું હતું કે, તે ભારતના મંત્રી છે પણ હું તેમની પ્રશંસા કરું છું.
મરિયમે આપ્યો હતો ઠપકો
ઈમરાન ખાન છેલ્લા ઘણા મહિનાઓથી ભારતીય વિદેશ નીતિની પ્રશંસા અને ગુણગાન ગાઈ રહ્યા છે. જેને લઈને મે મહિનામાં નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે ઈમરાનને ઠપકો આપતા કહ્યું હતું કે, જો ઈમરાનને ભારત એટલું જ પસંદ છે તો તેણે ત્યાં જવું જોઈએ. ઈમરાનનો આરોપ છે કે, તે પાકિસ્તાન માટે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા માંગતા હતા પરંતુ અમેરિકા નહોતુ ઈચ્છતું. ઉલ્લેખનીય છે કે, યુક્રેન યુદ્ધ ઈમરાન ખાન પહેલા રશિયા ગયા હતા. ત્યારબાદ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી તેમને સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.