Pakistan : ઈમરાનના ઘરમાં 30-40 આતંકીઓ-ગમે તે ઘડીએ મોટી કાર્યવાહીના એંધાણ
જો પીટીઆઈ આ આતંકવાદીઓને નહીં આપે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.
Imra Khan Residence : પાકિસ્તાનમાં વિવાદ જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે પોલીસે દાવો કર્યો છે કે, જમાન પાર્ક સ્થિત પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરમાં 30-40 આતંકીઓ છુપાયેલા છે. આ જાહેરાત બાદ પોલીસે ઈમરાન ખાનના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. ઈમરાન ખાન પર લાહોરના કોર્પ્સ કમાન્ડરના ઘર પર હુમલો કરવાનો આરોપ છે.
પાકિસ્તાનની પંજાબ સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને પૂર્વ વડાપ્રધાન અને પાર્ટીના વડા ઈમરાન ખાનના લાહોરમાં જમાન પાર્ક હાઉસમાં છુપાયેલા 30-40 આતંકવાદીઓને પોલીસને હવાલે કરી દેવાનો આદેશ આપ્યો છે. સરકારે આ આદેશમાં પાર્ટીને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે. પંજાબ સરકારના કાર્યકારી માહિતી મંત્રી આમિર મીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી છે. મીરે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જો પીટીઆઈ આ આતંકવાદીઓને નહીં આપે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.
આ ઘટના ત્યારે બની છે જ્યારે ઈમરાને પીટીઆઈ નેતાઓની ગેરકાયદેસર ધરપકડ અને અપહરણને લઈને દેશની સરકાર પર પ્રહારો કર્યા છે. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રાજકીય ઉથલપાથલનું વાતાવરણ છે અને આ નવી ઘટનાથી અસ્થિરતા વધી છે.
ઈમરાનને બધી જ જાણકારી
પંજાબ પ્રાંતના માહિતી મંત્રી અમીર મીરે લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે કહ્યું કહ્યું કે, 'પીટીઆઈએ આ આતંકવાદીઓને સોંપી દેવા જોઈએ નહીંતર કાયદો પોતાનું કામ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર આ આતંકવાદીઓની હાજરીથી વાકેફ હતી કારણ કે, તેની પાસે વિશ્વસનીય ગુપ્તચર અહેવાલો હતા. મીરે કહ્યું હતું કે, જે ઈન્ટેલિજન્સ રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે. એજન્સીઓ જીઓફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ કરી શકે છે.
મીરે કહ્યું હતું કે, પીટીઆઈ હવે 'આતંકવાદી' જેવું વર્તન કરી રહી છે. પીટીઆઈ ચીફ ઈમરાન એક વર્ષથી વધુ સમયથી સેનાને નિશાન બનાવી રહ્યા છે. મીરનો દાવો છે કે, હુમલાની યોજના ઈમરાન ખાનની ધરપકડ પહેલા કરવામાં આવી હતી. મીરે કહ્યું કે, 9 મેના રોજ આર્મી ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો સુનિશ્ચિત યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.
9 મેના રોજ શું થયું હતું?
અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચારને લઈને પૂર્વ પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. તે કોર્ટમાં પહોંચ્યો છે. બહાર તેમના હજારો સમર્થકો હાજર હતા. પરંતુ કોર્ટમાં જતા પહેલા જ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) અને પાકિસ્તાન રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ધરપકડને ગેરકાયદેસર ગણાવીને ઈમરાન ખાનના સમર્થકોએ વિરોધ શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પેશાવર, કરાચી, ઈસ્લામાબાદ, મર્દાન, ગુજરાંવાલા ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઇસ્લામ ખાનના સમર્થકોએ અનેક નાના-મોટા વાહનોને આગ ચાંપી અને તોડફોડ કરી.
ત્યાર બાદ લાહોરમાં પીએમના આવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને ડઝનબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. તોફાનીઓ લાહોર કેન્ટના કોર્પ્સ કમાન્ડરના ઘરમાં ઘૂસી ગયા અને આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત તેમણે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો અને ત્યાં પણ ઘણા પથ્થરમારો કર્યો હતો.