Pakistan : PM મોદી સાથે વાતચીત કરવા તલપાપડ શાહબાઝ પણ પાકિસ્તાને ખોલ્યા પત્તા
શાહબાઝ શરીફે એક ટીવી ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, ભારત સાથેના ત્રણ યુદ્ધો બાદ તેમના દેશે તેનો પાઠ શીખ્યો છે. શાહબાઝે આગ્રહ કર્યો હતો કે, તે હવે શાંતિ ઇચ્છે છે.
Shehbaz Sharif On India-Pak: પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારત સાથે દુશ્મનાવટ ભુલીને વાતચીત માટેની તૈયારી દાખવી હતી. શરીફે યુદ્ધના બદલે પીએમ નરેન્દ્ર મોદી સાથે સકારત્મક અને ગંભીર વાતચીત દ્વાર કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાની પહેલ કરી હતી. હવે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે પણ આ મામલે એક નિવેદન નિવેદન જાહેર કર્યું છે.
શાહબાઝ શરીફે એક ટીવી ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, ભારત સાથેના ત્રણ યુદ્ધો બાદ તેમના દેશે તેનો પાઠ શીખ્યો છે. શાહબાઝે આગ્રહ કર્યો હતો કે, તે હવે શાંતિ ઇચ્છે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે, પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે, પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ.
આ મામલે પાકિસ્તાન PMOના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાન PM સતત કહી રહ્યાં છે કે પાકિસ્તાન અને ભારતે તેમના દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મુદ્દાને વાતચીત અને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવા જોઈએ. જો કે, વડાપ્રધાને વારંવાર ઓન રેકોર્ડ કહ્યું હતું કે, ભારત 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા ગેરકાયદેસર પગલાંને પાછું ખેંચે ત્યાર બાદ જ વાતચીત થઈ શકે છે. ભારતના આ પગલાને રદ કર્યા વિના વાતચીત શક્ય નથી.
ઈન્ટરવ્યુ પર પાકિસ્તાનની સ્પષ્ટતા
પીએમઓના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, કાશ્મીર વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અને જમ્મુ-કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ અનુસાર હોવો જોઈએ. પ્રવક્તાએ કહ્યું હતું કે, વડાપ્રધાને તેમની તાજેતરની UAE મુલાકાત દરમિયાન અલ અરેબિયા ન્યૂઝ સાથેની તેમની મુલાકાતમાં આ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે કાશ્મીર સહિતના વિવિધ "સંવેદનશીલ" મુદ્દાઓને ઉકેલવા માટે "ગંભીર" વાટાઘાટો માટે આહ્વાન કર્યું છે અને કહ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) બંને પરમાણુ હથિયારોથી સંપન્ન બે પાડોશી દેશો વચ્ચેની મંત્રણા ફરી શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. શરીફે સોમવારે દુબઈ સ્થિત એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
શાહબાઝ શરીફે શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી થતા સીમાપાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ છે. ભારતે પહેલાથી જ કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો અસ્વીકાર કર્યો છે. શરીફે કહ્યું હતું કે, ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે આવો, આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા સળગતા મુદ્દાના ઉકેલ માટે ગંભીરતાથી વાત કરીએ.
તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન અને ભારત પાડોશી દેશ છે અને તેમને એકબીજા સાથે રહેવાનું છે. તેમણે કહ્યું હતું કે, આ આપણા પર નિર્ભર છે કે આપણે શાંતિથી જીવીએ, પ્રગતિ કરીએ કે આપણે અંદરો અંદર ઝઘડીએ, સમય અને સંસાધનોનો બગાડ કરીએ. અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડી ચુક્યા છીએ અને તેનાથી લોકોની મુશ્કેલીઓ, ગરીબી અને બેરોજગારી જ વધી છે.