ઓપરેશન સિંદૂર બાદ જવાબી કાર્યવાહી કરવાની પાકિસ્તાનની ધમકી, કહ્યુ- 'જવાબ આપ્યા વિના રહીશું નહીં'
પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલે ભારતના હુમલા પર પ્રતિક્રિયા આપી હતી

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આતંકવાદી છાવણીઓ પર 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલે ભારતના હુમલા પર પ્રતિક્રિયા આપી હતી અને ભારતની એરસ્ટ્રાઇકને "કામચલાઉ આનંદ" ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ સ્થાયી દુઃખથી ફેરવાઇ જશે. ISPRના સત્તાવાર નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે "પાકિસ્તાન પોતાની પસંદગીના સમયે અને સ્થળ પર તેનો જવાબ આપશે". DG એ ભારતના હુમલાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, "તેનો જવાબ આપવામાં આવશે".
ISPRએ એક નિવેદનમાં કહ્યું કે "ભારતે હવામાંથી ત્રણ સ્થળોએ હુમલો કર્યો છે. બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ... પાકિસ્તાન વાયુસેનાના બધા વિમાનો એક્ટિવ છે. ભારતે તમામ હુમલાઓ પોતાના હવાઇ ક્ષેત્રમાં રહીને કર્યા છે." વધુમાં તેમાં કહેવામાં આવ્યું છે કે "પાકિસ્તાન તેની પસંદગીના સમયે અને સ્થળે તેનો જવાબ આપશે. તે જવાબ આપ્યા વિના રહેશે નહીં. ભારતનો ક્ષણિક આનંદ કાયમી દુઃખથી બદલાશે.
'ઓપરેશન સિંદૂર': 9 સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા:
સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આવેલા આતંકવાદી માળખાને નિશાન બનાવીને 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવતું હતું." આ ઓપરેશન અંતર્ગત કુલ મળીને નવ સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતીય સેના 10 વાગ્યે કરશે પત્રકાર પરિષદ
સવારે 11 વાગ્યે મોદીની અધ્યક્ષતામાં સરકારની કેબિનેટ બેઠક મળશે. રાજસ્થાન સરહદ નજીક ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યું છે. પીએમ મોદી સતત 'ઓપરેશન સિંદૂર' પર નજર રાખી રહ્યાં છે. જમ્મુ-શ્રીનગર- લેહ- ધર્મશાલા અને અમૃતસર એરપોર્ટ બંધ કરાઇ છે.
પાકિસ્તાનના PMએ સુરક્ષા સમિતીની બોલાવી બેઠક
ભારતનું રાત્રે સિંદૂર ઓપરેશન શરૂ થતાં પાકિસ્તાન થરથરી ગયું છે અને તાબડતોબ તેમને સુરક્ષા સમિતીની બેઠક બોલાવી છે. લાહોર એયરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાઇ છે. પાકિસ્તાનના અનેક શહેરમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરાઇ છે.





















