Russia Ukraine War: અમેરિકી ઈંટેલિજન્સ ચીફે કર્યો દાવો, પુતિન આ સ્થિતિમાં કરી શકે છે પરમાણુ હથિયારનો ઉપયોગ
રશિયન આર્મીએ યુક્રેનમાં પુરવઠો પહોંચાડવા માટે જરુરી રસ્તાઓ અને આયુધ (ઓર્ડનન્સ) પરિવહનને ખોરવી દેવાના પ્રયાસમાં ઓડેસાના મહત્વના દરિયાકાંઠે હુમલો કર્યો છે.
Russia Ukraine War: અમેરિકાના ઇન્ટેલિજન્સ ચીફે દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્યારે જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે જ્યારે રશિયા સામે તેના અસ્તિત્વનું જોખમ હશે. ન્યુઝ એજન્સી AFPના અહેવાલ અનુસાર, ઇન્ટેલિજન્સ ચીફે એમ પણ કહ્યું કે, પુતિન યુદ્ધને ડોનબાસથી આગળ ટ્રાન્સનિસ્ટ્રિયામાં લઈ જવા માટે કટિબદ્ધ છે અને પુતિન લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તેવી યોજના બનાવી રહ્યા છે. યુએસ ઇન્ટેલિજન્સ ચીફના જણાવ્યા અનુસાર, પુતિન યુદ્ધના પ્રયાસોને સમર્થન આપવા માટે રશિયામાં માર્શલ લો લાગુ કરી શકે છે.
આ દરમિયાન, રશિયન આર્મીએ યુક્રેનમાં પુરવઠો પહોંચાડવા માટે જરુરી રસ્તાઓ અને આયુધ (ઓર્ડનન્સ) પરિવહનને ખોરવી દેવાના પ્રયાસમાં ઓડેસાના મહત્વના દરિયાકાંઠે હુમલો કર્યો છે. યુક્રેનિયન સૈન્યએ મંગળવારે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ એક દિવસ પહેલાં ઓડેસાના કાળા સમુદ્રના બંદર પર સાત હવાઈ મિસાઇલો છોડી હતી, જેમાં એક શોપિંગ સેન્ટર અને ત્યાં એક વેરહાઉસને નિશાન બનાવ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા હતા.
યુક્રેનનો દાવો - મોસ્કોએ આ હથિયારોનો ઉપયોગ કર્યોઃ
યુક્રેન દાવો કર્યો છે કે, સોવિયેત કાળના કેટલાક હથિયારોનો ઉપયોગ રશિયાએ કર્યો હતો પરંતુ તેમનું નિશાન બરાબર નહોતું રહ્યું. જો કે, યુક્રેનના ઇન્સ્ટિટ્યુટ ફોર ડિફેન્સ સ્ટ્રેટેજીએ જણાવ્યું હતું કે, મોસ્કોએ ઓડેસા સામે કેટલાક ચોકસાઇ પૂર્વક નિશાન લગાવી શકે તેવા શસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો હતો. યુક્રેન, બ્રિટન અને અમેરિકાના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, રશિયા તેના સટીક નિશાનો લગાવતા હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે.
મારીયુપોલની વાત કરીએ તો હાલ મારીયુપોલમાં એક સ્ટીલ પ્લાન્ટમાં ફસાયેલા નાગરિકોના છેલ્લા જથ્થાને બચાવ્યાના કેટલાક દિવસો પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 100 લોકો હજુ પણ ભૂગર્ભ ટનલમાં ફસાયેલા હોઈ શકે છે.