WHO: હવે આ વાયરસને લઇને WHO એ આપી ચેતવણી, કહ્યુ- જો સાવચેતી નહી રાખી તો કોરોના જેવી તબાહી મચાવશે
બર્ડ ફ્લૂનો ચેપ ફેલાવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ચિંતા વધી ગઈ છે.
WHO Warning On H5N1: કોવિડ-19 એ 2020 થી સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. કોરોનાના કારણે વિશ્વના ઘણા દેશોની હાલત એટલી બગડી ગઈ છે કે તેઓ હજુ સુધી સ્વસ્થ થઈ શક્યા નથી. આ દરમિયાન અન્ય એક વાયરસ મહામારી બનવાનો ખતરો વધી રહ્યો છે. પક્ષીઓ સિવાય સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂનો ચેપ ફેલાવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ચિંતા વધી ગઈ છે. મિંક, ઓટર, શિયાળ, સી લાયન જેવા સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂના ફેલાવા પર ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે મનુષ્યમાં પણ ચેપનો ખતરો છે, કારણ કે મનુષ્ય પણ સસ્તન જીવોનો એક પ્રકાર છે.
WHOના ડાયરેક્ટર-જનરલ Tedros Adhanom Ghebreyesusએ બુધવારે (8 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે મિંક, ઓટર્સ, શિયાળ અને સી લાયનમાં નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસ પર તાજેતરના અઠવાડિયામાં નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે હાલમાં WHO મનુષ્યો માટેના જોખમને ઓછું આંકે છે, પરંતુ અમે એવું માની શકતા નથી કે આ સ્થિતિ રહેશે અને તેથી આપણે યથાસ્થિતિમાં કોઈપણ ફેરફાર માટે તૈયાર રહેવું જોઈએ.
તેમણે કહ્યું કે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવો દુર્લભ છે, જોકે તેના જોખમને નકારી શકાય તેમ નથી. તેને રોકવાનો માર્ગ પણ જણાવવામાં આવ્યો હતો. WHOના કહેવા અનુસાર, કોઈપણ બીમાર કે મૃત જંગલી પ્રાણી કે પક્ષીને સ્પર્શ કરશો નહીં કે તેની નજીક જશો નહીં. જો તમને આવા પ્રાણી મળે તો તેના વિશે સ્થાનિક અધિકારીઓને જાણ કરો. આ સાથે બીમાર અથવા મૃત મરઘીઓ વિશે ખૂબ કાળજી લેવાની જરૂર છે.
ડબ્લ્યુએચઓએ કહ્યું કે આ ફ્લૂ ચેપગ્રસ્ત પક્ષીઓને સ્પર્શ કરવાથી, ચેપગ્રસ્ત પ્રાણીઓના મળ અથવા તેમની રહેવાની જગ્યાને સ્પર્શવાથી અને ચેપગ્રસ્ત પ્રાણીઓ અને પક્ષીઓને મારી નાખવા અથવા રાંધવાથી ફેલાય છે. ડબ્લ્યુએચઓના પ્રવક્તા ક્રિશ્ચિયન લિન્ડમિયરે જણાવ્યું હતું કે ગયા વર્ષે વિશ્વભરમાં ચાર લોકો એવિયન ફ્લૂ વાયરસ (H5N1) થી સંક્રમિત થયા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું.
એવિયન ફ્લૂમાં મહામારી પેદા કરવાની ક્ષમતા
તેમણે ઉમેર્યું હતું કે એવિયન ફ્લૂ એ ભવિષ્યમાં રોગચાળાનું કારણ બનવાની સંભાવનાને કારણે માનવ સ્વાસ્થ્ય માટે સતત ખતરો છે. ટેડ્રોસે બુધવારે દેશોને એવા વિસ્તારોની દેખરેખને મજબૂત કરવા હાકલ કરી હતી જ્યાં માણસો અને પ્રાણીઓ સીધા સંપર્કમાં રહે છે. WHO એ સુનિશ્ચિત કરવા માટે પણ કામ કરી રહ્યું છે કે પરિસ્થિતિ વધુ વણસે તો રસીઓ અને એન્ટિવાયરલનો પુરવઠો ઉપલબ્ધ છે. ટેડ્રોસે કહ્યું કે WHO આ મુદ્દે ઉત્પાદકો સાથે સતત વાતચીત કરી રહ્યું છે.