Donald Trump News: 'અમારી સાથે ડીલ કરો, નહીં તો 155 ટકા ટેરિફ લગાવીશું', ટ્રમ્પે ચીનને આપી ધમકી
Donald Trump News: ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ચીન એક મોટા સોદા પર પહોંચશે. તેમણે ચેતવણી આપી હતી કે જો બંને દેશો વચ્ચે કોઈ કરાર નહીં થાય તો ચીનને 155 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડી શકે છે.

Donald Trump News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીનને ટેરિફ ચેતવણી આપી છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની આગામી મુલાકાત માટે એજન્ડા સેટ કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ચીન એક મોટા સોદા પર પહોંચશે. તેમણે ચેતવણી આપી હતી કે જો બંને દેશો વચ્ચે કોઈ કરાર નહીં થાય તો ચીનને 155 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડી શકે છે. જોકે, ટ્રમ્પે શી જિનપિંગ સાથે મુલાકાતની શક્યતા પણ વ્યક્ત કરી હતી.
વ્હાઇટ હાઉસ ખાતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસનું સ્વાગત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "મને લાગે છે કે અમે ચીન સાથે એક મહાન ડીલ કરવા જઈ રહ્યા છીએ. તે એક મહાન ટ્રેડ ડીલ હશે. તે બંને દેશો અને સમગ્ર વિશ્વ માટે મહાન રહેશે." ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ સાથે મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે આ નિવેદન આપ્યું હતું.
ટ્રમ્પે ચીનને શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, "મને લાગે છે કે ચીન અમારું ખૂબ સન્માન કરે છે. તેઓ અમને ટેરિફના રૂપમાં મોટી રકમ આપી રહ્યા છે." જેમ તમે જાણો છો તેઓ 55 ટકા ટેક્સ ચૂકવી રહ્યા છે, જે ઘણા પૈસા છે. ઘણા દેશોએ અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે અને હવે તેઓ તેનો ફાયદો ઉઠાવી શકતા નથી. ચીન 55 ટકા ટેક્સ ચૂકવી રહ્યું છે અને જો આપણે કોઈ કરાર પર ન પહોંચીએ તો તેઓ 1 નવેમ્બરથી 155 ટકા ટેક્સ ચૂકવી શકે છે. હું રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી રહ્યો છું. અમારા સંબંધો ખૂબ સારા છે અને અમે થોડા અઠવાડિયામાં દક્ષિણ કોરિયામાં મળી રહ્યા છીએ. મને લાગે છે કે અમે કંઈક એવું કરીશું જે બંને દેશો માટે સારું હોય.
ટ્રમ્પની ટિપ્પણી શા માટે મહત્વપૂર્ણ છે
ચીને સ્માર્ટફોન, ફાઇટર જેટ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય ટેકનોલોજી માટે જરૂરી રેયર અર્થ મિનરલ્સ પર નિકાસ નિયંત્રણો લાદ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી આવી છે. ટ્રમ્પે ચીન સાથેની વાટાઘાટોમાં ટેરિફને મુખ્ય સાધન તરીકે વર્ણવ્યું છે અને રેયર અર્થ મિનરલ્સ ઉત્પાદનો પર બેઇજિંગના વિસ્તૃત નિકાસ નિયંત્રણોના જવાબમાં 100 ટકા ટેક્સ લાદવાની ધમકી આપી છે.





















