Uzbekistanમાં ભારતીય કંપનીની કફ સિરપથી 65 બાળકોના મોત પર ખુલાસો, જાણો કેમ અપાઇ હતી 28 લાખની લાંચ?
Uzbekistan: ઉઝબેકિસ્તાનના 20 નાગરિકો અને એક ભારતીય નાગરિક સહિત 21 લોકો સામે કાર્યવાહી કરી છે
Uzbekistan: ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે 65 બાળકોના મોતનું કારણ બનેલી ભારતીય કફ સિરપ અંગે એક મોટો ખુલાસો થયો છે. ઉઝબેકિસ્તાનના સરકારી વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે ભારતીય કફ સિરપના વિતરકોએ ફરજિયાત ટેસ્ટિંગને ટાળવા માટે સ્થાનિક અધિકારીઓને 33,000 (આશરે રૂ. 28 લાખ) ડોલરની લાંચ આપી હતી.
કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
મધ્ય એશિયાઈ દેશે ગયા અઠવાડિયે થયેલા મૃત્યુના સંબંધમાં ઉઝબેકિસ્તાનના 20 નાગરિકો અને એક ભારતીય નાગરિક સહિત 21 લોકો સામે કાર્યવાહી કરી છે. આરોપીઓમાંથી ત્રણ (એક ભારતીય અને બે ઉઝબેકિસ્તાની) નાગરિકો કુરામેક્સ મેડિકલના અધિકારીઓ છે. આ તે કંપની છે જે ઉઝબેકિસ્તાનમાં ભારતની મેરિયન બાયોટેકની દવાઓ વેચે છે.
લાંચ આપવામાં આવી હતી
રાજ્યના ફરિયાદી સૈદકરીમ અકિલોવના જણાવ્યા અનુસાર, કુરામેક્સના સીઈઓ સિંહ રાઘવેન્દ્ર પ્રતારે કથિત રીતે તેના ઉત્પાદનોની ફરજિયાત તપાસને ટાળવા માટે સરકારી અધિકારીઓને 33,000 અમેરિકન ડોલર ચૂકવ્યા હતા. જો કે, ફરિયાદીના નિવેદનથી તે સ્પષ્ટ થયું નથી કે કફ સિરપનું ટેસ્ટિંગ ઉઝબેકિસ્તાનમાં કરવામાં આવ્યું કે નહીં. શું ઉત્પાદકને ભારતમાં પરીક્ષણો કરવા વિનંતી કરવામાં આવી હતી.
કોર્ટમાં નિવેદન આપનાર સિંહ રાઘવેન્દ્ર પ્રતારે આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ સ્વીકાર કર્યો હતો કે એક વચેટીયાના માધ્યમથી અધિકારીઓ સુધી સહયોગ માટેની રકમ પહોંચાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે હું જાણતો નથી કે તે પૈસાનો ઉપયોગ કોણે અને કેવી રીતે કર્યો હતો. 21 આરોપીઓમાંથી સાતને એક યા બીજા ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં કરચોરી, નકલી દવાઓનું વેચાણ, ઓફિસનો દુરુપયોગ, બેદરકારી, બનાવટી અને લાંચ લેવાનો સમાવેશ થાય છે. અધિકારીઓએ એ જાણકારી આપી નહોતી કે ગયા વર્ષથી અત્યાર સુધીમાં 45 મૃત્યુ શા માટે અને કેવી રીતે થયું છે. રાજ્યના વકીલોએ બુધવારે એમ પણ જણાવ્યું હતું કે કુરામેક્સે સિંગાપોર સ્થિત બે વચેટિયા કંપનીઓ મારફત વધેલી કિંમત પર મેરિયન બાયોટેક દવાઓની આયાત કરી હતી જેનાથી કર ચોરીના આરોપો લાગ્યા હતા.