IPLમાં નહી રમવા છતાં આ ભારતીય ક્રિકેટરને ફ્રેન્ચાઈઝી 7 કરોડ રૂપિયાનો પૂરપૂરો પગાર ચૂકવશે...
એ ખેલાડી જે ટીમ ઈન્ડિયાના કોન્ટ્રેક્ટ લિસ્ટમાં સામેલ છે તેને ‘ઈન્સ્યોરન્સ પોલિસી’ની સુવિધા મળે છે. આ ઈન્શ્યોરન્સ પોલિસી તમામ કેન્દ્રીય કોન્ટ્રેક્ટ ધરાવતા ખેલાડીઓ માટે છે.
શ્રેયસ અય્યર આઈપીએલની 14મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ખભામાં ઈજાને કારણે તે આ ટૂર્નામેન્ટ રમશે નહીં જેથી તેના સ્થાને વિકેટકિપર-બેટસમેન ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી છે. આઈપીએલની આ સીઝનમાં નહીં રમવા છતાં શ્રેયસ અય્યરને પૂરો પગાર મળશે.
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીને દર સીઝન માટે સાત કરોડ રૂપિયા મળે છે અને ‘પ્લેયર ઈન્સ્યોરન્સ’ સ્કીમ હેઠળ તેને આ વખતે પણ સાત કરોડ એટલે કે પૂરો પગાર મળશે. શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થઈ ગયો હતો. ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે 8 એપ્રિલે તેની સર્જરી થશે.
એ ખેલાડી જે ટીમ ઈન્ડિયાના કોન્ટ્રેક્ટ લિસ્ટમાં સામેલ છે તેને ‘ઈન્સ્યોરન્સ પોલિસી’ની સુવિધા મળે છે. આ ઈન્શ્યોરન્સ પોલિસી તમામ કેન્દ્રીય કોન્ટ્રેક્ટ ધરાવતા ખેલાડીઓ માટે છે. આ સ્કીમ 2011 એટલે કે ચોથી સીઝન પહેલાં શરૂ થઈ હતી. આ નિર્ણય તત્કાલીન BCCI સેક્રેટરી એન શ્રીનિવાસન અને ભારતીય ખેલાડીઓ વચ્ચે થયેલી એક બેઠક પછી લેવામાં આવ્યો હતો. ઈન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખેલાડીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે, જો તે ઈજાગ્રસ્ત થવા કે અન્ય કોઈ દુર્ઘટનાને કારણે મેચ રમવા ઉપલબ્ધ ન હોય તો.
જો કોઈ ખેલાડી દેશ તરફથી રમતાં ઘાયલ થઈ જાય અને આઈપીએલનો હિસ્સો ન બની શકે તો તે આ વળતર મેળવવા યોગ્ય બની જાય છે. શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો તેથી તે આ સ્કીમ માટે યોગ્ય છે. આ પહેલાં ઈશાંત શર્મા, ઝહીર ખાન અને આશિષ નેહરાને પણ આ સ્કીમનો લાભ મળી ચૂક્યો છે.
વળતરની રકમ ખેલાડીના કુલ કરારની રકમ અને કેટલી મેચમાં તે રમશે નહિ, તેના આધારે એડજસ્ટ કરવામાં આવે છે. ખેલાડીનું વળતર સંબંધિત ફ્રેન્ચાઈઝી દ્વારા સમાન રૂપે શેર કરવામાં આવે છે- અય્યરના મામલામાં દિલ્હી કેપિટલ્સ અને BCCI દ્વારા કરાશે. જોકે અય્યર સમગ્ર સિઝન બહાર રહેશે તો BCCI તેમને સંપૂર્ણ રકમ આપશે.