ગુજરાતના ક્રિકેટરની દુષ્કર્મ કેસમાં ધરપકડ, મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે આઇપીએલ
ક્રિકેટરે તેણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને બંનેએ સગાઈ પણ કરી લીધી હતી

રાજસ્થાનના જોધપુરની કુડી ભગતાસની હાઉસિંગ બોર્ડ પોલીસે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ક્રિકેટર શિવાલિક શર્માની ધરપકડ કરી છે. શિવાલિક શર્મા બરોડા ક્રિકેટ તરફથી રમે છે. આ ભૂતપૂર્વ IPL ક્રિકેટર પર તેની એક મિત્રએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. એવું કહેવાય છે કે જે છોકરીએ તેના પર આ આરોપો લગાવ્યા છે તેની પણ સગાઈ ક્રિકેટર સાથે થઈ હતી.
ક્રિકેટર શિવાલિક શર્મા અને આરોપ લગાવનાર છોકરી વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થઇ હતી. આ પછી બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન શિવાલિક પણ તેમને મળવા માટે ઘણી વખત જોધપુર ગયો હતો. ક્રિકેટરે તેણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને બંનેએ સગાઈ પણ કરી લીધી. યુવતીનો આરોપ છે કે શિવાલિક તેને લગ્ન માટે છેતરતો રહ્યો અને તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.
પીડિતાએ જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ સાથે રહ્યા બાદ શિવાલિકના પરિવારે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ યુવતીએ શિવાલિક અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કુડી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. આ ગંભીર આરોપો બાદ શિવાલિકની શનિવારે વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને જોધપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
શિવાલિક શર્મા મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં હતો
ગયા વર્ષે (2024) IPLમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં શિવલિક શર્માનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, જોકે તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. આ વર્ષે (IPL 2025) તે કોઈ ટીમનો ભાગ નથી.
ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં બરોડા ક્રિકેટ ટીમ તરફથી રમનાર શિવાલિકે 18 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 1087 રન બનાવ્યા હતા. અહીં તેણે 3 સદી અને 5 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. તેણે લિસ્ટ A માં રમાયેલી 13 મેચોમાં 322 રન બનાવ્યા. તેણે 19 ટી-૨૦ મેચ પણ રમી જેમાં તેણે 349 રન બનાવ્યા. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં રણજી ટ્રોફીમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. જમ્મુ અને કાશ્મીર સામેની આ મેચમાં તેણે 64 અને 18 રન બનાવ્યા હતા.




















