5th T20I: હવે બેંગ્લુંરુમાં રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટી20, જાણો મેચની પુરેપુરી ડિટેલ્સ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ બેંગલુરુમાં રમાશે. અહીંના કેએમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને સામને ટકરાશે
IND vs AUS 5th T20I Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ બેંગલુરુમાં રમાશે. અહીંના કેએમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને સામને ટકરાશે. આ મેચ રવિવારે (3 ડિસેમ્બર) સાંજે 7 વાગ્યે શરૂ થશે.
આ મેદાન પર અત્યાર સુધીમાં આઠ T20 આંતરરાષ્ટ્રીય મેચો યોજાઈ ચૂકી છે. આમાંથી એક મેચ અનિર્ણિત રહી છે. અહીં રમાયેલી સાત મેચોમાં પીછો કરતી ટીમ વધુ સફળ રહી છે. પાંચ મેચોમાં પાછળથી બેટિંગ કરનાર ટીમને સફળતા મળી છે. જે બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે તેમાં માત્ર એક રનથી જ વિજય હાંસલ કર્યો છે. એકંદરે આ મેદાન પર પાછળથી બેટિંગ કરવી એ વિજયની ગેરંટી કહી શકાય.
ટીમ ઈન્ડિયાનો અહીં રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતીય ટીમે અહીં 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાંથી તેણે માત્ર બે મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેનાથી વિપરીત ઓસ્ટ્રેલિયાનો અહીં રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ મેદાન પર રમાયેલી બંને મેચમાં કાંગારૂ ટીમે જીત મેળવી છે.
ક્યાં જોઇ શકશો આ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ 'સ્પોર્ટ્સ-18' અને 'કલર્સ સિનેપ્લેક્સ' ટીવી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ પર ઉપલબ્ધ થશે.
સીરીઝમાં 3-1 થી આગળ છે ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમ આ પાંચ મેચની T20 સીરીઝમાં 3-1ની અજેય સરસાઈ ધરાવે છે. એટલે કે સીરીઝ પહેલાથી જ ટીમ ઈન્ડિયાના નામે છે. સિરીઝની પ્રથમ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાને એક બૉલ બાકી રાખીને હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી મેચ આસાનીથી જીતી લીધી. ત્રીજી મેચમાં ગ્લેન મેક્સવેલે સદી ફટકારીને ભારત પાસેથી જીત છીનવી લીધી હતી. વળી, ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર કાંગારૂઓને આસાનીથી હરાવ્યું છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા/શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા/મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), નાથન એલિસ, જેસન બેહરનડોર્ફ, તનવીર સંઘા, કેન રિચર્ડસન.