IND vs SA: યશસ્વીની સદી અને રોહિતની આક્રમકતા સામે આફ્રિકા લાચાર, ભારતની 'વિરાટ' જીતના આ છે 5 કારણ
ભારતે 2-1થી શ્રેણી કબજે કરી: 271 રનનો લક્ષ્યાંક 61 બોલ બાકી રહેતા જ હાંસલ કર્યો, યશસ્વી જયસ્વાલે ફટકારી પ્રથમ વનડે સદી.

IND vs SA 3rd ODI highlights: શનિવાર, 6 December ના રોજ વિશાખાપટ્ટનમના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને 2-1 થી વનડે શ્રેણી પોતાના નામે કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 271 રનના લક્ષ્યાંકને ભારતે માત્ર 1 વિકેટ ગુમાવીને 61 બોલ બાકી રહેતા જ આસાનીથી હાંસલ કરી લીધો હતો. આ જીતમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલની અણનમ સદી, રોહિત શર્માની આક્રમક શરૂઆત અને વિરાટ કોહલીની ફિનિશિંગ ઈનિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે ભારતે ટેસ્ટ શ્રેણીમાં મળેલી 0-2 ની હારનો બદલો લઈ લીધો છે.
ભારતની જીતના 5 મુખ્ય કારણો
વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અહીં ભારતની ભવ્ય જીતના 5 ટર્નિંગ પોઈન્ટ્સ છે:
1. યશસ્વી જયસ્વાલની મેડન સદી
આ મેચનો સૌથી મોટો હીરો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ રહ્યો હતો. અગાઉની બે મેચમાં સંઘર્ષ કર્યા બાદ, યશસ્વાલે આ નિર્ણાયક મેચમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તેણે 121 બોલનો સામનો કરીને અણનમ 116 રન ફટકાર્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ તેની વનડે કારકિર્દીની પ્રથમ સદી હતી. શરૂઆતમાં સમય લીધા બાદ 50 રન પછી તેણે ગિયર બદલ્યો હતો અને ટીમને જીત સુધી પહોંચાડીને જ દમ લીધો હતો.
2. રોહિત શર્માની આક્રમક શરૂઆત
અનુભવી ઓપનર રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાના બોલરો પર શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું. રોહિતે 73 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 75 રનની ઇનિંગ રમી હતી. તેણે યશસ્વી જયસ્વાલને સેટ થવામાં મદદ કરી અને બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 155 રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી, જેણે જીતનો પાયો નાખ્યો હતો.
3. વિરાટ કોહલીનું ટી20 અંદાજમાં ફિનિશિંગ
જ્યારે રોહિત આઉટ થયો, ત્યારે આફ્રિકન ટીમને મેચમાં વાપસીની આશા હતી, પરંતુ વિરાટ કોહલીએ તે આશાઓ પર પાણી ફેરવી દીધું. કોહલીએ ટી20 શૈલીમાં બેટિંગ કરતા માત્ર 45 બોલમાં અણનમ 65 રન ફટકાર્યા હતા. તેણે યશસ્વી સાથે મળીને 116 રનની અણનમ ભાગીદારી કરી હતી. કોહલીને સમગ્ર શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બદલ 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો.
4. કુલદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગ
એક સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ ક્વિન્ટન ડી કોકની સદી (106 રન) ને કારણે મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી (168/2). પરંતુ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરાવી હતી. સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 4-4 વિકેટ ઝડપીને આફ્રિકન ટીમને માત્ર 270 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. મધ્યમ ઓવરોમાં વિકેટો પડવાને કારણે દક્ષિણ આફ્રિકા લય ગુમાવી બેઠું હતું.
5. કેએલ રાહુલનું 'લકી' ટોસ
આ મેચમાં ટોસ પણ એક મોટું પરિબળ સાબિત થયું હતું. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો ઠર્યો. રાત્રે ઝાકળ (Dew) ને કારણે બેટિંગ કરવી સરળ બની ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે ભારત સતત 20 મેચોમાં ટોસ હાર્યું હતું, પરંતુ આ વખતે રાહુલે જમણાને બદલે ડાબા હાથે સિક્કો ઉછાળ્યો અને નસીબ ભારતની તરફેણમાં રહ્યું.




















