India Tour of Ireland: આયરલેન્ડના પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સાથે નહી જાય રાહુલ દ્રવિડ, જાણો કોને હેડ કોચ બનાવી શકે છે BCCI
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સીરિઝ રમવામાં વ્યસ્ત છે. વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડ પ્રવાસ પર જવાનું છે. ભારત આયરલેન્ડ સામે ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે. આ મેચ 18, 20 અને 23 ઓગસ્ટના રોજ ડબલિનમાં રમાશે. હવે આયરલેન્ડ પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
દ્રવિડ અને અન્ય સપોર્ટ સ્ટાફને આરામ મળશે
ક્રિકબઝના અહેવાલ મુજબ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચીફ વીવીએસ લક્ષ્મણ આયરલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના મુખ્ય કોચ હશે. જ્યારે રેગ્યુલર હેડ કોચ રાહુલ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફ વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ), પારસ મ્હામ્બ્રે (બોલિંગ કોચ)ને આગામી એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવશે.
આયરલેન્ડ પ્રવાસ પર સિતાંશુ કોટક અને હૃષીકેશ કાનિટકરમાંથી કોઈ એકને બેટિંગ કોચની જવાબદારી મળી શકે છે. સાઈરાજ બહુતુલે અને ટ્રોય કુલીમાંથી કોઈ એક બોલિંગ કોચની ભૂમિકા ભજવી શકે છે. વીવીએસ લક્ષ્મણે ગયા વર્ષે આયરલેન્ડ અને ન્યૂઝિલેન્ડના પ્રવાસમાં પણ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં મુખ્ય કોચની ભૂમિકામાં ભજવી હતી.
હાર્દિક બનશે કેપ્ટન, બુમરાહ પણ વાપસી કરશે!
આયરલેન્ડ સામેની ટી20 સીરીઝ માટેની ટીમની હજુ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે હાર્દિક પંડ્યા જ ટીમનું નેતૃત્વ કરશે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની દ્રવિડ અને નિયમિત કેપ્ટન રોહિત શર્મા સાથેની વાતચીત બાદ ટીમની પસંદગી થઈ શકે છે. પસંદગી સમિતિના સભ્ય સલિલ અંકોલા પહેલાથી જ ટીમ સાથે છે.
જસપ્રીત બુમરાહની આયરલેન્ડ સામેની સીરિઝ માટે ટીમમાં પસંદગી થવાની આશા છે. ફાસ્ટ બોલરે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તે નિયમિતપણે નેટ્સ પર 8-10 ઓવર બોલિંગ કરી રહ્યો છે. જોકે, શ્રેયસ ઐય્યર આયરલેન્ડ સીરિઝમાં રમશે કે નહીં તેને લઇને હજુ સસ્પેન્સ છે. કેએલ રાહુલની પસંદગી થશે નહી કારણ કે તેણે હજુ સુધી બેટિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી નથી.
એશિયા કપનું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
બીજી તરફ એશિયા કપ 2023નું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર થવાની આશા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ગયા મહિને જાહેરાત કરી હતી કે એશિયા કપ 2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનમાં ચાર મેચ અને શ્રીલંકાની ધરતી પર નવ મેચ રમાશે. શ્રીલંકામાં એશિયા કપની મેચ કેન્ડી અને દામ્બુલામાં યોજાઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનના લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ ચાર મેચની યજમાની કરી શકે છે. એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.