Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દી પર ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દી પર ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે હોસ્પિટલની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઉઠ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવો વિધિ કરી રહ્યો છે. મુકેશ ભૂવાજી નામના ભૂવાએ ICUમાં વિધી કરી હતી.
ડૉકટરની દવાથી નહીં, ભૂવાજીની ભભૂતિથી દર્દી સ્વસ્થ થયાનો ભૂવાએ દાવો કર્યો હતો. વેન્ટિલેટર પર રહેલા દર્દીની ICUમાં જઈ સારવાર કર્યાનો મુકેશ ભૂવાએ દાવો કર્યો હતો. નવેમ્બર મહિનામાં ભૂવાજીનો દર્દી પર વિધિ કરતો વીડિયો વાયરલ થયો હતો. સિવિલના ICUમાં ભૂવાની સારવારના વીડિયો અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ અજાણ છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વીડિયો મુદ્દે સિવિલ સત્તાધીશોનું ભેદી મૌન રાખ્યું છે. વાયરલ વીડિયો બાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષીએ સ્પષ્ટતા કરી હતી કે મુકેશ ભૂવાજી દર્દીના સ્વજન બની અંદર ગયા હતા. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલ પાસ ઈશ્યુ કરે છે . દર્દીના સ્વજનનો પાસનો ઉપયોગ કરી ભૂવાજી દર્દી સુધી પહોંચ્યો હતો. ભૂવાજીની ભભૂતિથી દર્દી સ્વસ્થ થયાના દાવા પાયાવિહોણા છે. હોસ્પિટલના તબીબોની સારવારના કારણે દર્દી સ્વસ્થ થયા છે. હોસ્પિટલના ICUની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. CCTV ફૂટેજની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સિવિલ સુપ્રિટેન્ડન્ટે અપીલ કરી હતી.
કોંગ્રેસ નેતા ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે મેડિકલ સાયન્સનો કોઈ વિકલ્પ જ નથી. ભભૂતિ કે ધોરા- ધાગાથી ક્યારેય કોઈ સ્વસ્થ થાય નહીં. દર્દીના સ્વજનોના બહાને ભૂવાજીઓ અંદર પ્રવેશે છે. દર્દીના સ્વજનો જ ભૂવાને અંદર પ્રવેશ આપે છે. દર્દીના સ્વજનોને ક્યારેય હોસ્પિટલ સંચાલકો અટકાવી શકતા નથી.
સિનીયર ફિઝિશિયન ડૉ. વસંત પટેલે કહ્યું હતું કે અંધશ્રદ્ધા વિરોધી કાયદો પણ સરકાર લાવી છે. સરકાર કાયદો લાવી છતા અંધશ્રદ્ધા અટકવાનું નામ લઇ રહી નથી. દર્દીના સ્વજન ન આવી શકે ત્યાં ભૂવો કેવી રીતે આવી શકે? ICUના તબીબો અને સ્ટાફ ભૂવાની વિધી સમયે ક્યાં હતો? હોસ્પિટલમાં સિક્યોરિટીમાં ગંભીર બેદરકારી ક્યારેય સાંખી ન લેવાય.
ભાજપ નેતા ડૉક્ટર કમલેશ રાજગોરે કહ્યું હતું કે જ્યાં પણ ત્રુટિઓ હશે તેની તપાસ થશે. જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી થશે. વિજ્ઞાનના યુગમાં પણ હજુ અંધશ્રદ્ધા પ્રવર્તે છે.અંધશ્રદ્ધામાંથી હવે બહાર આવવાની જરૂર છે. સમાજોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે. સરકાર ક્યારેય જવાબદારીમાંથી ન છટકી શકે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે ગતિશીલ રાજ્યમાં આ તો કેવી ઘટના બને છે. સિવિલ હોસ્પિટલની સલામતી સામે સૌથી મોટો પ્રશ્ન છે. એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની સુરક્ષામાં છીંડા છે.