(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટી-20 ક્રિકેટમાં બાબર અને કોહલીને પછાડ્યા
પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શનિવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શનિવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મોહમ્મદ રિઝવાન ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
31 વર્ષીય રિઝવાને રાવલપિંડીમાં રમાયેલી બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 34 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 45 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. પાકિસ્તાને બીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને પાંચ મેચની ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
વિરાટ-બાબરનો રેકોર્ડ તૂટી ગયો
મોહમ્મદ રિઝવાને તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 79મી ઇનિંગમાં ત્રણ હજાર રનનો આંકડો પાર કર્યો હતો. તેણે બાબર આઝમ અને વિરાટ કોહલીને બે ઇનિંગ્સના માર્જિનથી પાછળ છોડીને રેકોર્ડ બનાવ્યો હતો. બાબર અને વિરાટ બંનેએ 81મી ઇનિંગ્સમાં ત્રણ હજાર રનનો આંકડો પાર કર્યો હતો.
નોંધનીય છે કે મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3000 રનનો આંકડો પાર કરનાર આઠમો બેટ્સમેન બન્યો છે. જો કે, વિરાટ કોહલી એવો બેટ્સમેન છે જેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ભારતીય બેટ્સમેને 117 મેચમાં 4037 રન બનાવ્યા છે.
પાકિસ્તાનનો સરળ વિજય
પાકિસ્તાને શનિવારે બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 47 બોલ બાકી રહેતા ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા સમગ્ર ટીમ 18.1 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાને 12.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રાવલપિંડીમાં રમાશે.