T20 વર્લ્ડકપની પહેલી સુપરઓવર, નામીબિયાએ રોમાંચક મેચમાં ઓમાનને આપી માત, જાણો મેચ સમરી
Namibia vs Oman T20 World Cup: T20 વર્લ્ડકપ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ છે અને સુપર ઓવર દ્વારા માત્ર ત્રીજી મેચનો હાર-જીતનો ફેંસલો આવ્યો છે
Namibia vs Oman T20 World Cup: T20 વર્લ્ડકપ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ છે અને સુપર ઓવર દ્વારા માત્ર ત્રીજી મેચનો હાર-જીતનો ફેંસલો આવ્યો છે. આજની મેચમાં નામીબિયાએ પ્રથમ બૉલિંગ કરીને ઓમાનને સસ્તામાં આઉટ કરી દીધુ હતું, પરંતુ ઓમાને પણ આ મેચમાં વળતો પ્રહાર કરતાં શાનદાર બૉલિંગ કરી હતી. આખરે મેચ સુપરઓવરમાં પહોંચી હતી. જોકે આ સુપર ઓવરમાં ડેવિડ વિસીના જોરદાર પ્રદર્શનને કારણે નામીબિયાએ ગ્રુપ બીની મેચ જીતી લીધી.
ડેવિડ વિસીના ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર નામીબિયાએ T20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત સુપર ઓવરમાં ઓમાનને હરાવીને જીત સાથે કરી હતી. ડેવિડ વિસીએ સુપર ઓવરમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિસીએ કેપ્ટન ઈરાસ્મસ સાથે મળીને સુપર ઓવરમાં 6 બોલમાં 21 રન બનાવ્યા હતા. આ પછી, કેપ્ટને પણ આ ટાર્ગેટને બચાવવા માટે વિસી પર વિશ્વાસ મુક્યો, વિસીએ સુપર ઓવરમાં માત્ર 10 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી હતી. આ સાથે જીત મળી ગઇ હતી.
નામીબિયા અને ઓમાન મેચની ડિટેલ્સ -
આ પહેલા નામીબિયા અને ઓમાન વચ્ચેની મેચ 20 ઓવર બાદ ટાઈ થઈ હતી ત્યારબાદ સુપર ઓવર દ્વારા પરિણામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓમાને પ્રથમ બેટિંગ કરતા 109 રન બનાવ્યા હતા, પરંતુ નામીબિયાની ટીમ 20 ઓવર બાદ 6 વિકેટે 109 રન જ બનાવી શકી હતી અને મેચ ટાઈ રહી હતી. જોકે, સુપર ઓવરમાં ઓમાનની ટીમ સારુ પ્રદર્શન કરી શકી ન હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. નામીબિયા તરફથી રૂબેન ટ્રમ્પલમેને ચાર વિકેટ લીધી હતી, જ્યારે વિસીએ ત્રણ વિકેટ અને પછી સુપર ઓવરમાં એક વિકેટ લીધી હતી. નામીબિયા તરફથી જાન ફ્રીલિંકે સૌથી વધુ 45 રન બનાવ્યા, પરંતુ તે અડધી સદી ચૂકી ગયો. ટાર્ગેટનો પીછો કરતી વખતે નામીબિયાએ ધીમી બેટિંગ કરી અને તેનો માર સહન કરવો પડ્યો. જોકે, સુપર ઓવરમાં વિસીના પ્રદર્શને નામીબિયાને હારમાંથી બચાવી લીધું હતું.