World Cup 2023 Points Table: સળંગ બીજી મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું ન્યુઝીલેન્ડ, જાણો ભારત સહિત અન્ય ટીમોની સ્થિતિ
વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ 2-2 મેચ રમ્યા છે. જેમાં કીવી ટીમે બંનેમાં જીત મેળવી છે. જ્યારે ડચ ટીમને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે
World Cup 2023 Points Table Update: ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામેની બીજી મેચ 99 રને જીતી લીધી હતી. બીજી જીત બાદ ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ 2-2 મેચ રમ્યા છે. જેમાં કીવી ટીમે બંનેમાં જીત મેળવી છે. જ્યારે ડચ ટીમને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે ન્યુઝીલેન્ડે બીજી મેચ જીતીને 4 પોઈન્ટ અને +1.958 નો નેટ રન રેટ હાંસલ કર્યો. હાર બાદ નેધરલેન્ડ ખરાબ નેટ રન રેટ સાથે 8મા સ્થાને આવી ગયું છે.
નેધરલેન્ડ અત્યાર સુધી કોઈ પોઈન્ટ મેળવી શક્યું નથી. દક્ષિણ આફ્રિકા 2 પોઈન્ટ અને +2.040ના નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે. આ પછી, પાકિસ્તાન 2 પોઈન્ટ અને +1.620 નેટ રનરેટ સાથે ત્રીજા સ્થાને છે, બાંગ્લાદેશ 2 પોઈન્ટ અને +1.438 નેટ રનરેટ સાથે ચોથા સ્થાને છે અને ભારત 2 પોઈન્ટ અને +0.883 નેટ રનરેટ સાથે પાંચમા સ્થાને છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.
નીચેની પાંચ ટીમો એકપણ મેચ જીતી શકી નથી
6 થી 10 નંબર પર હાજર તમામ પાંચ ટીમોએ હજુ સુધી તેમના જીતનું ખાતું ખોલ્યું નથી. ઓસ્ટ્રેલિયા -0.883ના નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે. કાંગારૂ ટીમને પ્રથમ મેચમાં ભારત હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, અફઘાનિસ્તાન -1.438 નેટ રન રેટ સાથે સાતમા સ્થાને છે, નેધરલેન્ડ્સ -1.800 નેટ રન રેટ સાથે આઠમા સ્થાને છે, શ્રીલંકા -2.040 નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે અને ઈંગ્લેન્ડ -2.149 નેટ રન રેટ સાથે 10મા સ્થાને છે.
આ ચાર ટીમો વચ્ચે હવે પછીની મેચો યોજાશે
મંગળવાર, 10 ઓક્ટોબરે બે મેચ રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ધર્મશાલામાં અને બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે હૈદરાબાદમાં રમાશે.
ભારતની આગામી મેચ અફઘાનિસ્તાન સામે
વર્લ્ડકપ 2023માં ભારત પોતાની આગામી મેચમાં અફઘાનિસ્તાન 11 ઓક્ટોબરે ટકરાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાએ તાબડતોડ બેટિંગ કરી હતી, પ્રૉટીયાઝ ટીમે અહીં 428 રન બનાવ્યા હતા. ત્રણ પ્રોટીયાઝ બેટ્સમેનોએ પણ સદી ફટકારી હતી. ભારત-અફઘાનિસ્તાન મેચમાં પણ આવો જ રનનો વરસાદ થઈ શકે છે.