90 ઓવરમાં 32 વિકેટ, ભારતમાં રમાઈ ઇતાહિસની સૌથી નાની ટેસ્ટ મેચ, રિયાન પરાગનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન
આ પહેલા સૌથી ટૂંકી મેચનો રેકોર્ડ 1962 માં દિલ્હી અને રેલવે વચ્ચેની મેચના નામે હતો, જે 547 બોલ માં પૂરી થઈ હતી.

Assam vs Services Ranji Trophy: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રણજી ટ્રોફીમાં એક નવો અને આશ્ચર્યજનક રેકોર્ડ નોંધાયો છે. આસામ અને સર્વિસિસ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ માત્ર 90 ઓવર માં એટલે કે 540 બોલ માં જ સમાપ્ત થઈ ગઈ, જે 63 વર્ષના રણજી ટ્રોફીના ઇતિહાસની સૌથી ટૂંકી મેચ બની ગઈ છે. મેચમાં કુલ 32 વિકેટ પડી હતી. આ મેચમાં આસામના ઓલરાઉન્ડર રિયાન પરાગે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે કુલ 48 રન બનાવ્યા અને 7 વિકેટ ઝડપી હતી, છતાં તે તેની ટીમને સર્વિસિસ સામે 8 વિકેટથી હારતી રોકી શક્યો ન હતો. સર્વિસિસનો આ 2025-26 સીઝનમાં સતત બીજો વિજય હતો.
રણજી ટ્રોફીનો ઐતિહાસિક રેકોર્ડ તૂટ્યો
તાજેતરમાં રણજી ટ્રોફીમાં આસામ અને સર્વિસિસ વચ્ચે રમાયેલી મેચ ક્રિકેટ ચાહકો માટે ચર્ચાનો વિષય બની છે, કારણ કે આ મેચ ભારતના સ્થાનિક ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં સમાપ્ત થનારી ટેસ્ટ મેચ બની ગઈ છે. આ પહેલા સૌથી ટૂંકી મેચનો રેકોર્ડ 1962 માં દિલ્હી અને રેલવે વચ્ચેની મેચના નામે હતો, જે 547 બોલ માં પૂરી થઈ હતી. આસામે 90 ઓવર એટલે કે માત્ર 540 બોલ માં જ હાર સ્વીકારતા, આ નવો અને અસામાન્ય રેકોર્ડ સર્જાયો છે. મેચમાં પ્રથમ દિવસે જ 25 વિકેટ પડી ગઈ હતી, જ્યારે બાકીની 7 વિકેટ બીજા દિવસના સવારના સત્રમાં પડી હતી.
મેચની સંક્ષિપ્ત અને ઝડપી ઇનિંગ્સ
આ મેચમાં બેટિંગની કથળતી ગુણવત્તા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આસામે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 17.2 ઓવર બેટિંગ કરીને 103 રન બનાવ્યા હતા. ત્યારબાદ સર્વિસિસ ની ટીમ પણ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી, જોકે ઇરફાન ખાનના 51 રન ને કારણે તે 29.2 ઓવર માં 108 રન બનાવીને માત્ર 5 રનની લીડ મેળવવામાં સફળ રહી હતી. આમ, બંને ટીમોની પ્રથમ બે ઇનિંગ્સ માત્ર 46.4 ઓવર માં જ પૂરી થઈ ગઈ હતી.
આસામની બીજી ઇનિંગ્સનું નબળું પ્રદર્શન અને સરળ લક્ષ્યાંક
પ્રથમ ઇનિંગ્સમાં મળેલી નજીવી લીડ બાદ, આસામ ની બીજી ઇનિંગ્સ પણ નિરાશાજનક રહી. ટીમે 29.3 ઓવર માં બેટિંગ કરીને માત્ર 75 રન જ બનાવ્યા હતા. આના પરિણામે, સર્વિસિસને આસામ પરની 5 રનની પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે, જીતવા માટે માત્ર 71 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સર્વિસિસની ટીમે આ નાનો લક્ષ્યાંક કોઈ મુશ્કેલી વિના ફક્ત 13.5 ઓવર માં જ હાંસલ કરી લીધો, જેમાં તેમણે માત્ર બે વિકેટ ગુમાવી હતી. આ વિજય સાથે સર્વિસિસનો 2025-26 સીઝનમાં સતત બીજો વિજય નોંધાયો હતો.
રિયાન પરાગનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન
મેચનું પરિણામ ભલે આસામની તરફેણમાં ન આવ્યું હોય, પરંતુ આ યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગે પોતાના પ્રદર્શનથી ચોક્કસ ધ્યાન ખેંચ્યું હતું. તેણે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 31 બોલમાં 36 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. બોલિંગમાં પણ તેનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું, તેણે સર્વિસિસને 108 રન પર આઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 5 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં રિયાન પરાગ બેટિંગમાં માત્ર 12 રન જ બનાવી શક્યો, પરંતુ સર્વિસિસની બે વિકેટ પણ તેણે જ લીધી હતી. આ રીતે તેણે મેચમાં કુલ 48 રન અને 7 વિકેટ નો નોંધપાત્ર ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.



















