Ranji Trophy: 5 મહિના બાદ રવીંદ્ર જાડેજાની ક્રિકેટમાં વાપસી
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘણા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો હતો. 2022માં રમાયેલા એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી.
Ranji Trophy: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘણા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો હતો. 2022માં રમાયેલા એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી. આ પછી તે T20 વર્લ્ડ 2022 કપ જેવી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ ચૂકી ગયો. હવે જાડેજા પોતાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ શ્રેણીની તૈયારી શરૂ કરી દીધી છે. જાડેજા પાંચ મહિના બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે.
રણજી મેચમાં રમી રહ્યો છે
આ દિવસોમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં જાડેજા સૌરાષ્ટ્ર માટે મેદાનમાં દેખાઈ રહ્યો છે. 24 જાન્યુઆરી મંગળવારથી સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે શરૂ થયેલી આ મેચમાં જાડેજા સૌરાષ્ટ્રની કમાન સંભાળી રહ્યો છે. એલિટ ગ્રુપ-બીની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં તમિલનાડુની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
અત્યાર સુધીમાં 13 ઓવર ફેંકી છે
આ સમાચાર લખાય છે ત્યાં સુધી સૌરાષ્ટ્ર માટે રવિન્દ્ર જાડેજાએ કુલ 13 ઓવર ફેંકી છે. આમાં તેણે માત્ર 20 રન જ આપ્યા હતા. આ સાથે જ તેણે 2 મેડન ઓવર ફેંકી છે. જોકે તેને કોઈ સફળતા મળી ન હતી. મેચ પહેલા જાડેજાએ સોમવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે બોલિંગ અને બેટિંગ બંનેની પ્રેક્ટિસ કરી હતી. જાડેજાને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. એટલા માટે સિરીઝ પહેલા તેના માટે સંપૂર્ણ ફિટ હોવું ખૂબ જ જરૂરી છે.
આ મેચ પહેલા વાત કરતા જાડેજાએ કહ્યું હતું કે, મેદાન પર પાછા આવ્યા બાદ મને ખૂબ જ સારું લાગે છે. ખુબ જ ઉત્સાહિત છું. મને આશા છે કે ટીમ અને મારા માટે ફાયદાકારક સાબિત થશે. મેદાન પર ઉતર્યા પછી મારી પ્રથમ પ્રાથમિકતા ફિટ રહેવાની છે. 100 ટકા ફિટ રહેવાની છે.
રોહિત શર્માએ ખતમ કર્યો સદીનો દુકાળ, 3 વર્ષ બાદ વન ડેમાં ફટકારી સદી
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાઈ રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરતાં 26 ઓવરમાં 212 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માં 85 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 101 રન અને શુબમન ગિલે 78 બોલમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગા વડે 112 રન બનાવ્યા હતા. રોહિત, જેણે વનડેમાં 3 બેવડી સદી ફટકારી છે, તે બીજી મોટી ઇનિંગ્સ ચૂકી ગયો અને માત્ર 101 રન બનાવીને તેની વિકેટ ગુમાવી દીધી.
2020 પછી ODI સદી
રોહિત શર્માએ 19 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સદી ફટકારી હતી. હવે 3 વર્ષ બાદ તેણે જાન્યુઆરીમાં ફરી સદી ફટકારી છે. રોહિતે ઓગસ્ટ 2022માં ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે નવેમ્બર 2018માં T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા કેપ્ટન રોહિત ટોપ ફોર્મમાં છે તે રાહતના સમાચાર છે.