Rohit sharma: રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, આ કારનામુ કરનાર ભારતનો બીજો બેટ્સમેન બન્યો
રોહિત શર્માએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કરો યા મરોના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટનશિપની ઈનિંગ્સ રમી હતી.
MI vs SRH Indian Premier League 2023: રોહિત શર્માએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કરો યા મરોના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટનશિપની ઈનિંગ્સ રમી હતી. 200 રનનો પીછો કરતા રોહિત શર્માએ ધમાકેદાર રીતે અડધી સદી ફટકારવાનું કામ કર્યું હતું. રોહિતની જોરદાર ઇનિંગ્સના કારણે મુંબઈ ઝડપી ગતિએ રન બનાવી શક્યું હતું.
મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ફટકો ઈશાન કિશનના રૂપમાં લાગ્યો હતો. ઈશાન કિશન ફરી એકવાર બેટથી નિરાશ કર્યા હતા. હૈદરાબાદ સામે કરો યા મરો મેચમાં ઈશાન કિશન 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાને તેની ઈનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વર કુમારે કિશનને હેરી બ્રુકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
રોહિતે અડધી સદી ફટકારી
ઈશાન કિશનના આઉટ થયા બાદ કેમરુન ગ્રીન અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 65 બોલમાં 128 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી ફટકાર્યા બાદ રોહિતે મયંક ડાગરની બોલ પર નીતિશ રેડ્ડીને પોતાનો કેચ સોંપ્યો હતો. રોહિતે 37 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી.
રોહિત શર્માએ T20 ક્રિકેટમાં પોતાના 11000 રન પૂરા કરી લીધા છે. આ આંકડો પહોંચનાર તે બીજો ભારતીય અને એકંદરે સાતમો બેટ્સમેન બન્યો છે. રોહિત પહેલા ક્રિસ ગેલ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
કેમેરોન ગ્રીને 47 બોલમાં સદી ફટકારી મુંબઈને જીત અપાવી
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. કેમરન ગ્રીને ટીમ માટે તોફાની બેટિંગ કરી હતી. તેણે અણનમ સદી ફટકારી હતી. ગ્રીને 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.