(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA: ભારતના આ ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, કહ્યું, આ સારા સંકેત નથી
T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. તેની ચોથી મેચ રાજકોટમાં રમાઈ હતી, જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન ઋષભ પંત અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી.
India vs South Africa T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. તેની ચોથી મેચ રાજકોટમાં રમાઈ હતી, જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન ઋષભ પંત અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. હવે આ મામલે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પંતના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પંતના શોટ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે.
ગાવસ્કરે કહ્યું કે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી-20 સિરીઝમાં ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર પંતનું વારંવાર આઉટ થવું એ સારો સંકેત નથી. અત્યાર સુધી 47 T20 મેચોમાં 740 રન બનાવનાર પંત ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે. ગાવસ્કરે કહ્યું, તે શીખ્યો નથી. છેલ્લી ત્રણ મેચમાં પણ તેણે પોતાની વિકેટમાંથી કોઈ પાઠ શીખ્યો નથી. બોલર બહાર બોલ નાખી રહ્યા છે અને પંત સતત તેમની જાળમાં ફસાઈ રહ્યો છે. બહાર જતી બોલ પર હવામાં શોટ રમતા બચવું જોઈએ. તેમણે કહ્યું કે, તેઓએ પંત સામે એક ખાસ રણનીતિ બનાવી છે. બોલને ઓફ-સ્ટમ્પની બહાર ફેંકીને તેની વિકેટ લઈ રહ્યા છે.
પંતે આ શ્રેણીમાં અત્યાર સુધી 29, 5, 6 અને 17 રન બનાવ્યા છે. ગાવસ્કરે કહ્યું, આ વર્ષે T20 મેચમાં તે દસ વખત આ રીતે આઉટ થયો છે. જો તેણે બહાર જતા બોલ સાથે છેડછાડ ન કરી હોત તો તેમાંથી કેટલાક વાઈડ થઈ શક્યા હોત. જો બોલ વધુ પડતો બહાર હોય તો તમારે વધારાનું બળ પણ લગાવવું પડે છે. ભારતીય કેપ્ટનનું એક સિરીઝમાં એક જ રીતે આઉટ થવું સારા સંકેતો નથી.
ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું
રાજકોટમાં રમાયેલી T20 શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું. ભારત તરફથી દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી હતી. જ્યારે અવેશ ખાને 4 વિકેટ લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની શ્રેણીમાં 2-2ની બરાબરી કરી લીધી છે. આફ્રિકન ટીમે પ્રથમ બે મેચ જીતી હતી, જે બાદ ભારતે શાનદાર વાપસી કરી હતી. ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 16.5 ઓવરમાં માત્ર 87 રન બનાવી શકી.