T20 WC: શું ટી20 વર્લ્ડ કપની ટીમનો ભાગ નહી હોય ઋષભ પંત? કોચ રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ
ભારતીય ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત પોતાના ખરાબ ફોર્મના કારણે હાલ ટીકાકારોના નિશાના પર છે.
Rahul Dravid On Rishabh Pant: ભારતીય ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત પોતાના ખરાબ ફોર્મના કારણે હાલ ટીકાકારોના નિશાના પર છે. હમણાં જ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 સીરીઝમાં પણ પંતનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. કેપ્ટન તરીકે આ સીરીઝની ચાર મેચોમાં ઋષભે ફક્ત 58 રન જ બનાવ્યા હતા. ત્યારે હવે ઋષભ પંતના ટી20 વર્લ્ડ કપમાં સ્થાન અંગે સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે, આ વર્ષના અંતમાં ઓસ્ટ્રોલિયામાં T20 વર્લ્ડ કપ રમાશે.
કોચ દ્રવિડે કરી સ્પષ્ટતાઃ
ટી20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં ઋષભ પંતના સ્થાન અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે આ અંગે સ્પષ્ટતા કરી છે. દ્રવિડે કહ્યું છે કે, ઋષભ પંત T20 વર્લ્ડ કપની તૈયારીઓનો મોટો અને અભિન્ન ભાગ છે. દ્રવિડે સ્પષ્ટ કર્યું કે, પંત ટીમનો ભાગ બની રહેશે. ગઈકાલે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 સીરીઝની છેલ્લી મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ દ્રવિડે પત્રકારો સાથે વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું.
ઋષભ પંત અમારી યોજનાઓનો મોટો ભાગ:
રાહુલ દ્રવિડનું સ્પષ્ટ મંતવ્ય છે કે, એક સીરીઝના આધારે કોઈ પણ ખેલાડીનું આકલન નહી કરવામાં આવે પછી ભલે તે ખેલાડી કેપ્ટન હોય કે બેટ્સમેન. દ્રવિડે કહ્યું, "હું ટીકાકાર જેવું વલણ નહી અપનાવું. મધ્ય ઓવરોમાં થોડું વધુ આક્રમક બનીને ક્રિકેટ રમવાની જરુર હોય છે. ક્યારેક-ક્યારેક બે-ત્રણ મેચોના પ્રદર્શનના આધારે કોઈ ખેલાડીનું આકલન કરવું મુશ્કેલ હોય છે. ઋષભ પંત નિશ્વિત રુપે આગામી કેટલાક મહિનાઓની અમારી યોજનાઓનો મોટો ભાગ રહેશે."
ઋષભ પંતની કપ્તાની વિશે રાહુલ દ્રવિડને લાગે છે કે સીરીઝની પહેલી બે મેચો હારી ગયા બાદ ટીમને ફરીથી બે મેચોમાં જીત અપાવવામાં ઋષભ પંતે સારી ભૂમિકા નિભાવી છે. દ્રવિડે કહ્યું, ટીમને 0-2થી વાપસી કરાવીને સીરીઝ 2-2થી બરાબર કરવી અને જીતની તકો ઉભી કરવી એ ઋષભ પંતનું સારું પ્રદર્શન છે.