શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
29 વર્ષીય ડાબોડી બેટ્સમેન પૂરને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નવી સીઝનની તૈયારીઓ વચ્ચે દરેક ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત સમાચાર હેડલાઇન્સમાં આવી રહ્યા છે. કેપ્ટનની સાથે કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમના કેટલાક ખેલાડીઓને પણ ટ્રેડ અથવા રિલીઝ કરવામાં આવી શકે છે. IPLની આગામી સીઝનમાં આ બધી અટકળોનો અંત આવશે પરંતુ હાલ પૂરતું, આ એપિસોડમાં ચાર વખતની કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ચેમ્પિયન ટીમ Trinbago Knight Riders (TKR) એ કેપ્ટનશીપમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમના સહ-માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝીએ છ સીઝન પછી નવી કેપ્ટનશીપ સોંપીને વિસ્ફોટક વેસ્ટ ઈન્ડિઝ બેટ્સમેન નિકોલસ પૂરનને ટીમનું નેતૃત્વ આપવાની જાહેરાત કરી છે.
કેપ્ટનશીપમાં ફેરફાર
ટીમના જૂના કેપ્ટન કિરોન પોલાર્ડે 2019થી TKRની કેપ્ટનશીપ સંભાળી હતી અને 2020માં ટીમને CPL ટાઇટલ પણ અપાવ્યું હતું. પોલાર્ડે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે, તેને નવી પેઢીને તક આપવાનો અને નવા મુખ્ય કોચ ડ્વેન બ્રાવોના આગમન સાથે યોગ્ય સમય ગણાવ્યો છે.
નિકોલસ પૂરનનો અનુભવ અને IPL/MLC કારકિર્દી
29 વર્ષીય ડાબોડી બેટ્સમેન પૂરને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે જેથી તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેની પાસે T20 લીગમાં કેપ્ટનશીપનો પણ ઘણો અનુભવ છે. IPLમાં તેણે થોડા સમય માટે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની કેપ્ટનશીપ કરી હતી જ્યારે અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC) માં તેણે MI ન્યૂયોર્કનું પણ નેતૃત્વ કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. હવે તે આ અનુભવનો ઉપયોગ CPLમાં TKRનું નેતૃત્વ કરવા માટે કરશે.
TKRમાં કારકિર્દીની શરૂઆત અને પ્રદર્શન
જ્યારે નિકોલસ પૂરન માત્ર 17 વર્ષનો હતો ત્યારે તેણે 2013માં TKR ટીમ સાથે T20 ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી 2016માં તે બાર્બાડોસ રોયલ્સ માટે રમતા જોવા મળ્યો પૂરને આ ટીમ સાથે 3 સીઝન રમી છે. 2019માં તે ગયાના એમેઝોન વોરિયર્સ માટે રમ્યો અને પછી 2022માં TKRમાં પાછો ફર્યો. અત્યાર સુધી નિકોલસ પૂરન CPLમાં કુલ 114 મેચ રમ્યો છે, જેમાં તેણે 28ની સરેરાશ અને 152ના સ્ટ્રાઇક રેટથી 2447 રન બનાવ્યા છે.
પૂરનની કેપ્ટનશીપ હેઠળ TKR ની પહેલી મેચ 17 ઓગસ્ટે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ સામે હશે. ત્રિનબાગોમાં જન્મેલા અને ઉછરેલા પૂરન માટે આ કેપ્ટનશીપ વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે સન્માનની વાત છે.




















