West Bengal: ગાંગુલીને ICCની ચૂંટણી લડવા માટે મંજૂરી આપવા મમતા બેનર્જીએ PM મોદીને કરી આ અપીલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને લઈને પીએમ મોદીને ખાસ અપીલ કરી છે.
Mamata Banerjee On Sourav Ganguly: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને (Sourav Ganguly) લઈને પીએમ મોદીને ખાસ અપીલ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, "હું પીએમને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે સૌરવ ગાંગુલીને ICC ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે. તે લોકપ્રિય વ્યક્તિ છે, તેથી તેને નકારવામાં આવી રહ્યો છે."
મમતા બેનર્જીએ કહ્યું કે, ભારત સરકારને વિનંતી છે કે રાજકીય રીતે નિર્ણય ન લે, પરંતુ ક્રિકેટ, રમતગમત માટે નિર્ણયો લે. સૌરવ ગાંગુલી કોઈ રાજકીય પક્ષના સભ્ય નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI)પ્રમુખ તરીકે બદલવામાં આવ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે તેઓ સૌરવ ગાંગુલીને ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)માં મોકલે.
મમતા બેનર્જીએ શું કહ્યું?
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, સૌરવ ગાંગુલીને ખોટી રીતે BCCIના પ્રમુખ પદ પરથી હટાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું. સૌરવ ખૂબ જ લોકપ્રિય વ્યક્તિત્વ છે. તે ભારતીય ટીમનો (Team India) કેપ્ટન હતા. તેમણે દેશને ઘણું આપ્યું છે. તેઓ માત્ર બંગાળનું જ નહીં પરંતુ ભારતનું ગૌરવ છે. તેમને આ રીતે બાકાત રાખવું ખોટું છે.
રોજર બિન્ની સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે
મીડિયા અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી બોર્ડના પ્રમુખ તરીકે ચાલુ રાખવા માંગતો હતો, પરંતુ અહેવાલ મુજબ તેને અન્ય સભ્યોનું સમર્થન મળ્યું ન હતું. રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. સૌરવ ગાંગુલી 2019માં BCCIના અધ્યક્ષ બન્યા. તેઓ 18 ઓક્ટોબરે તેમનું પદ છોડવાના છે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી માત્ર રોજર બિન્નીએ જ બીસીસીઆઈના પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે.
ગાંગુલી CAB ચૂંટણી લડશે
સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે તે BCCIના પ્રમુખ પદનો ત્યાગ કર્યા બાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે. આ દરમિયાન આઈસીસી અધ્યક્ષ માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. ICC અધ્યક્ષ માટે નોમિનેશન 20 ઓક્ટોબરે ભરવાનું છે. ચર્ચા હતી કે BCCI અધ્યક્ષ પદ છોડ્યા બાદ ગાંગુલી ICC અધ્યક્ષની ચૂંટણી લડી શકે છે.