(Source: ECI/ABP News/ABP Majha)
WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ
WTC Final Latest Scenario: WTC ટેબલમાં ભારત હજુ પણ પ્રથમ અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. જો કે, કઈ બે ટીમો ફાઇનલમાં પહોંચશે તે કહેવું ખૂબ જ વહેલું છે
WTC Final Latest Scenario: ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામે પુણે ટેસ્ટ મેચમાં 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી દીધી છે. પુણે ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં પણ ઝટકો લાગ્યો છે. પૂણે ટેસ્ટ પહેલા ભારતીય ટીમના 68.06 ટકા માર્ક્સ હતા. જ્યારે પુણેમાં હાર બાદ તેના અંકોની ટકાવારી ઘટીને 62.82 થઈ ગઈ છે.
WTC ટેબલમાં ભારત હજુ પણ પ્રથમ અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. જો કે, કઈ બે ટીમો ફાઇનલમાં પહોંચશે તે કહેવું ખૂબ જ વહેલું છે કારણ કે 5 ટીમો હજુ પણ ગાણિતિક રીતે ફાઈનલની રેસમાં છે. માત્ર વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર છે. જો કોઈ ટીમ 60 ટકા પોઈન્ટ સાથે તેના અભિયાનનો અંત લાવે છે તો તેની ફાઇનલમાં પહોંચવાની તકો હશે. ભારતે છેલ્લી વખત 58.8 ટકા માર્ક્સ સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ 5 ભૂલો ભારતીય ટીમને ભારે પડી
ટોચની ક્રમાંકિત ભારતીય ટીમના અત્યાર સુધી 13 મેચમાં 8 જીત, 4 હાર અને 1 ડ્રો સાથે 98 પોઈન્ટ છે. જ્યારે બીજા ક્રમે રહેલી કાંગારૂ ટીમના 12 મેચમાં 8 જીત, ત્રણ હાર અને એક ડ્રો સાથે 90 પોઈન્ટ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2023-25)ના વર્તમાન ચક્રમાં હવે માત્ર 20 ટેસ્ટ મેચો જ બચી છે આવી સ્થિતિમાં જીત-હારના કારણે ટીમોના સમીકરણો બદલાતા જોવા મળશે. ચાલો તમામ 9 ટીમોની વર્તમાન સ્થિતિ પર એક નજર કરીએ.
- ભારત (62.82 ટકા): ભારતીય ટીમ માટે સમીકરણ સ્પષ્ટ છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પડશે. ત્યારે ઓસ્ટ્રેલિયાને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-2થી હારનો સામનો કરવો પડશે. એટલે કે તેણે છમાંથી ચાર મેચ જીતવી પડશે. આ સાથે તેના માર્ક્સ 64.04 ટકા હશે.
જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મુંબઈ ટેસ્ટ હારી જાય છે તો તેને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાર જીત અને એક ડ્રોની જરૂર પડશે. જો ભારત તેની બાકીની છ મેચમાંથી માત્ર ત્રણ જીતે છે અને ત્રણ હારી જાય છે, તો તેની પોઈન્ટ ટકાવારી 58.77 થશે, જે ક્વોલિફિકેશનની સંપૂર્ણ ગેરન્ટી આપશે નહીં. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ અને ન્યૂઝીલેન્ડના અંકની ટકાવારી ભારત કરતા વધુ હોઈ શકે છે.
- ઓસ્ટ્રેલિયા (62.50 ટકા): ન્યૂઝીલેન્ડ સામે ભારતની શ્રેણીમાં હારથી ઓસ્ટ્રેલિયાની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. ભારત સામે 3-2થી શ્રેણી જીતવાથી અને શ્રીલંકામાં 1-0થી જીત સાથે તેમનો સ્કોર 62.28 ટકા થશે, જે તેમને ભારત કરતા આગળ રાખશે. ઓસ્ટ્રેલિયાએ અન્ય પરિણામોને ધ્યાનમાં લીધા વિના ફાઇનલમાં પ્રવેશવા માટે તેની બાકીની સાત મેચમાંથી પાંચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયાએ તેની ધરતી પર ભારત સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે, જ્યારે શ્રીલંકાના પ્રવાસમાં તેણે બે ટેસ્ટ મેચ રમવાની છે.
- શ્રીલંકા (55.56 ટકા): શ્રીલંકાની ટીમે ન્યૂઝીલેન્ડ સામે 2-0થી શ્રેણી જીતી હતી, જેના કારણે તે ફાઈનલની રેસમાં છે. શ્રીલંકાએ વધુ ચાર મેચ રમવાની છે. જો તેઓ તે બધી મેચો જીતી જાય છે તો તેઓ 69.23 ટકા સાથે સમાપ્ત થશે અને ફાઈનલમાં પોતાનું સ્થાન બુક કરશે. જો શ્રીલંકાની ટીમ એક મેચ હારે છે અને ત્રણ જીતે છે, તો તે 61.54 ટકા પર સમાપ્ત થશે. આવી સ્થિતિમાં તેણે બાકીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે બે-બે ટેસ્ટ મેચ રમવાની છે.
- ન્યૂઝીલેન્ડ (50.00 ટકા): ભારત સામે સતત બે જીતથી ન્યૂઝીલેન્ડની આશા પણ ખત્મ થઇ ગઈ છે. જો કિવિઝ બાકીની ચાર ટેસ્ટ જીતે છે, તો તેઓ 64.29 ટકા પર સમાપ્ત થશે. જો કે આ 4 જીત તેની લાયકાતની ગેરન્ટી નહીં આપે, પરંતુ ચોક્કસપણે તેને રેસમાં રાખશે. જો કે, જો ન્યૂઝીલેન્ડની ટીમ એક પણ મેચ હારે છે તો તેની ટકાવારી ઘટીને 57.14 થઈ જશે. ન્યૂઝીલેન્ડને ભારત સામે ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારપછી તેણે ઈંગ્લેન્ડ સામે તેના ઘરે ત્રણ ટેસ્ટ મેચની યજમાની કરવાની છે.
- દક્ષિણ આફ્રિકા (47.62 ટકા): જો દક્ષિણ આફ્રિકા બાકીની પાંચ ટેસ્ટ જીતે છે, તો તે 69.44 ટકા પર સમાપ્ત થશે, જે ફાઇનલમાં પહોંચવા માટે પૂરતું હશે. ચાર જીત અને એક ડ્રોના કિસ્સામાં દક્ષિણ આફ્રિકા 63.89 ટકા પર સમાપ્ત થશે, જ્યારે પાંચ જીત અને એક હારના કિસ્સામાં તેના પોઈન્ટ્સની ટકાવારી 61.11 હશે. આ સ્થિતિમાં તેણે અન્ય પરિણામો પર નિર્ભર રહેવું પડશે. આફ્રિકન ટીમે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે બીજી ટેસ્ટ મેચ રમવાની છે. જ્યારે તે પોતાના ઘરે શ્રીલંકા અને પાકિસ્તાન સામે બે-બે ટેસ્ટ મેચની યજમાની કરશે.
- ઈંગ્લેન્ડ (40.79 ટકા): પાકિસ્તાન સામેની 1-2 શ્રેણીની હારને કારણે ઈંગ્લેન્ડ ફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું હતું. જો ઇંગ્લેન્ડ તેની છેલ્લી શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવે તો પણ તે મહત્તમ 48.86 ટકા પોઈન્ટ મેળવી શકે છે. ઈંગ્લેન્ડે પોતાના ઘરે ન્યૂઝીલેન્ડ સામે ત્રણેય મેચ રમવાની છે.
- પાકિસ્તાન (33.33 ટકા): પાકિસ્તાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. જો આપણે જોઈએ તો પાકિસ્તાન ગાણિતિક રીતે હજુ પણ રેસમાં છે, પરંતુ તેની ફાઈનલ રમવાની શક્યતા ઘણી ઓછી છે. જો પાકિસ્તાન તેની બાકીની ચાર મેચ જીતી જાય તો પણ તે માત્ર 52.38 ટકા સુધી જ પહોંચી શકશે. આવી સ્થિતિમાં તેણે અન્ય ઘણા પરિણામો પર નિર્ભર રહેવું પડશે, જેમાં કેટલાક ડ્રોનો સમાવેશ થાય છે જે ઘણી ટીમોને પોઈન્ટથી વંચિત કરી શકે છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે બે-બે ટેસ્ટ મેચ રમવાની છે.
- બાંગ્લાદેશ (30.56 ટકા): બાંગ્લાદેશી ટીમ ફાઈનલની રેસમાંથી બહાર છે. બાંગ્લાદેશને ભારત સામે 2-0થી મળેલી હાર અને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટને કારણે ઘણું નુકસાન થયું હતું. એક સમયે બાંગ્લાદેશની માર્કસ ટકાવારી 45.83 હતી જે હવે 30.56 થઈ ગઈ છે. જો તેઓ તેમની બાકીની ત્રણ ટેસ્ટ જીતે તો પણ તેઓ માત્ર 47.92 ટકા સુધી જ પહોંચી શકશે. બાંગ્લાદેશને દક્ષિણ આફ્રિકા સામે એક અને વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે.
- વેસ્ટ ઈન્ડિઝ (18.52 ટકા): વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચાર સિરીઝ રમી ચૂકી છે અને તેના માત્ર 18.52 ટકા પોઈન્ટ છે. જો તે તેની છેલ્લી ચાર ટેસ્ટ જીતી લેશે તો પણ તે 43.59 ટકા પોઈન્ટ્સ પર પૂર્ણ કરશે. વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ (ઘર પર) અને પાકિસ્તાન સામે 2 (દૂર) રમવાની છે.
આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સીઝન છે જે 2023 થી 2025 સુધી ચાલશે. ICC આ ત્રીજી સીઝન માટે પોઈન્ટ સિસ્ટમ સાથે સંબંધિત નિયમો પહેલાથી જ જાહેર કરી ચૂક્યું છે. જો ટીમ ટેસ્ટ મેચ જીતે તો તેને 12 પોઈન્ટ મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ અને મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ મળશે.
મેચ જીતવા પર 100 ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે. ટાઈ પર 50 ટકા, ડ્રો પર 33.33 ટકા અને હાર પર ઝીરો ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે. બે મેચની સીરીઝમાં કુલ 24 પોઈન્ટ્સ અને પાંચ મેચની સીરીઝમાં 60 પોઈન્ટ્સ ઉપલબ્ધ થશે. કારણ કે રેન્કિંગ મુખ્યત્વે પોઈન્ટ ટેબલમાં જીતની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે. લોર્ડ્સમાં 11 જૂન 2025થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે.