IPL 2025 વચ્ચે ઇગ્લેન્ડ રવાના થશે ભારતીય ખેલાડી, શું ગિલ છોડશે ગુજરાતનો સાથ?
હવે એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઈન્ડિયા-એ ટીમમાં સામેલ થનારા બે મોટા નામ યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન હોઈ શકે છે.

India Squad For England Test Series 2025: ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. તાજેતરના ભૂતકાળમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિને કારણે ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે. ભારત-ઈંગ્લેન્ડ શ્રેણી શરૂ થાય તે પહેલાં ઈન્ડિયા-એનો ઈંગ્લેન્ડ પ્રવાસ 30 મેથી શરૂ થવાનો હતો પરંતુ આઈપીએલ 2025નો કાર્યક્રમમાં ફેરફારના કારણે ઈન્ડિયા-એ અને ઈંગ્લેન્ડના શિડ્યૂલ પર પણ અસર પડી શકે છે. હવે એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઈન્ડિયા-એ ટીમમાં સામેલ થનારા બે મોટા નામ યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન હોઈ શકે છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડ લાયન્સ સામેની મેચમાં ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલના રૂપમાં બે મોટા નામ ઈન્ડિયા-એ તરફથી રમી શકે છે. આ જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ઇન્ડિયા-એની પહેલી મેચ માટે 14 સભ્યોની ટીમ પસંદ કરી શકે છે. આ ટીમમાં એવા ખેલાડીઓને સ્થાન આપી શકાય છે જે IPL 2025ના પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે નહીં.
આ ખેલાડીઓ IPL 2025 દરમિયાન ઇંગ્લેન્ડ જશે!
યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન સિવાય કરુણ નાયર, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, તનુષ કોટિયન, ખલીલ અહેમદ, આકાશદીપ, માનવ સુથાર અને અંશુલ કંબોજને ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. સરફરાઝ ખાન, જે IPL 2025માં રમી રહ્યો નથી. તે પણ આ ટીમનો ભાગ બની શકે છે. દરમિયાન, આંગળીની ઇજાથી પીડાતા RCB કેપ્ટન રજત પાટીદાર ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ થઇ શકશે નહીં.
શુભમન ગિલ બીજી મેચમાં રમી શકે છે
આ જ અહેવાલ મુજબ, શુભમન ગિલ, સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદર ઇન્ડિયા-એની બીજી મેચમાં રમતા જોઈ શકાય છે. ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ રમતા પહેલા ટીમ ઇન્ડિયા સામે એક ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ પણ રમવાની છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી ઇન્ડિયા-એ મેચોમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખવામાં આવશે.




















