મુંબઈ માટે સારા સમાચાર, બુમરાહ ટૂંક સમયમાં કરશે વાપસી, જાણો ફિટનેસ અપડેટ
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સના અભિયાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. આ ટીમ અત્યાર સુધી તેની બંને મેચ હારી છે.

Jasprit Bumrah Fitness Update: IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સના અભિયાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. આ ટીમ અત્યાર સુધી તેની બંને મેચ હારી છે. દેખીતી રીતે જ ટીમને તેના સૌથી ઘાતક બોલર જસપ્રીત બુમરાહની ખોટ છે. તમને જણાવી દઈએ કે બુમરાહ હાલમાં ઈજાથી પરેશાન છે, જે તેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન થઈ હતી. MIના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ તાજેતરમાં એક અપડેટ આપતા કહ્યું હતું કે બુમરાહ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે કારણ કે બુમરાહે બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
જસપ્રીત બુમરાહ છેલ્લા ઘણા અઠવાડિયાથી બેંગલુરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રોકાઈ રહ્યો છે. અહીં તે મેડિકલ ટીમની દેખરેખમાં છે, આ દરમિયાન એક નવું અપડેટ સામે આવ્યું છે કે બુમરાહે નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બુમરાહ હજુ પણ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હાજર છે.
MI હેડ કોચે બુમરાહની ફિટનેસ વિશે અપડેટ આપી હતી
મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ માહેલા જયવર્દનેએ જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે અપડેટ આપી હતી અને કહ્યું હતું કે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. જો કે બુમરાહની વાપસીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. એવી અટકળો છે કે બુમરાહ એપ્રિલના પહેલા સપ્તાહમાં મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં સામેલ થઈ શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 7 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રમી શકે છે.
IPL 2024માં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન કેવું રહ્યું ?
જસપ્રીત બુમરાહે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 165 વિકેટ લીધી છે. છેલ્લી સિઝન એટલે કે IPL 2024ની વાત કરીએ તો તેણે 13 મેચમાં કુલ 20 વિકેટ ઝડપી હતી. તે ટુર્નામેન્ટમાં MI માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, પરંતુ તેની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2025માં તેમની પ્રથમ જીતની શોધમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ તેમની પ્રથમ બે મેચ હારી ચૂકી છે અને હવે તેમની નજર તેમની ત્રીજી મેચમાં જીતનું ખાતું ખોલવા પર છે. જોકે, મુંબઈ માટે આ એટલું સરળ નહીં હોય કારણ કે આ વખતે ટીમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે.




















