Manu Bhaker: ભાડા પર પિસ્તોલ લઇ રમી હતી નેશનલ, વિરેન્દ્ર સહેવાગ પાસે શીખી ક્રિકેટ.... મનુ ભાકરની કહાણી કરી દેશે હેરાન
Indian Olympian Manu Bhaker Struggle Story: મનુ ભાકર આજે શૂટિંગની દુનિયામાં એક મોટું નામ બનીને ઉભરી છે. ભારતની મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે
Indian Olympian Manu Bhaker Struggle Story: મનુ ભાકર આજે શૂટિંગની દુનિયામાં એક મોટું નામ બનીને ઉભરી છે. ભારતની મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે 10 મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે મનુ ભાકર શૂટિંગમાં મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. મનુ ભાકરની જીવન અને સંઘર્ષની સ્ટૉરી અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ.
ભાડાની પિસ્તોલ લઇને રમી હતી નેશનલ
અમર ઉજાલા સાથેની વાતચીતમાં મનુ ભાકરે તેમના સંઘર્ષના સમયગાળા વિશે વાત કરી. મનુ ભાકરે જણાવ્યું કે, તેણે પોતાની પ્રથમ નેશનલ ટૂર્નામેન્ટ ભાડાની પિસ્તોલ લઇને રમી હતી. મનુએ કહ્યું, “શરૂઆતમાં જ્યારે મારી પાસે મારી પોતાની પિસ્તોલ ન હતી, ત્યારે મેં વિનીત સરની પિસ્તોલ ભાડે લીધી હતી. મને એ પણ ખબર ન હતી કે ટ્રિગર કેટલું નીચે હોવું જોઈએ. પકડ બનાવવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી.”
પરંતુ આટલી બધી મુશ્કેલીઓ છતાં મનુએ હાર ના માની. તેણે કહ્યું, “મને ખબર હતી કે મારે શૂટિંગ કરવું છે. મેં વિચાર્યું કે કોઈક રીતે હું મેનેજ કરીશ. "જો તમારામાં જુસ્સો હોય, તો તમે કોઈપણ મુશ્કેલીને પાર કરી શકો છો."
પિસ્તોલ લાયસન્સ માટે કરવી પડી ખુબ મહેનત
એક સમયે મનુ ભાકરને પિસ્તોલના લાયસન્સ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. મનુના પિતા રામકિશન ભાકરે એકવાર કહ્યું હતું કે લાઇસન્સ મેળવવા માટે તેમને દરરોજ 45 કિલોમીટર દૂર ઝજ્જર જવું પડતું હતું. અધિકારીઓએ તેમની વાત સાંભળી નહીં. એશિયન યૂથ ગેમ્સ નજીક આવી રહી હતી અને મનુને પ્રેક્ટિસ માટે પિસ્તોલની જરૂર હતી. પોલીસ અને મેજિસ્ટ્રેટે સહકાર આપ્યો પરંતુ તત્કાલીન એડીસીએ તેમની વાત સાંભળી નહીં.
લાચારી અનુભવતા મનુના પિતાએ હરિયાણાના શિક્ષણ મંત્રીને અપીલ કરી અને સીએમઓ અને રમતગમત મંત્રીને પણ ટ્વીટ કર્યું. બે મહિના પછી આખરે તેની મહેનત રંગ લાવી અને મનુને લાઇસન્સ મળી ગયું.
શૂટિંગ ઉપરાંત મનુ ભાકરે અજમાવ્યો છે બીજી રમતોમાં પણ હાથ
આ પહેલા પણ મનુ ભાકરે અનેક ઈન્ટરવ્યૂમાં સ્પૉર્ટ્સ પ્રત્યેના તેના પ્રેમનો ઉલ્લેખ કર્યો છે. તે બૉક્સિંગ અને કિક બૉક્સિંગ પણ રમતી હતી. શૂટિંગ પહેલા મનુ ભાકરે ક્રિકેટની ટ્રેનિંગ પણ લીધી હતી. તેણે વીરેન્દ્ર સેહવાગની ઝજ્જર ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટની ટ્રિક્સ અને ગુણો શીખ્યા હતા, પરંતુ જ્યારે સ્કૂલમાં શૂટિંગ રેન્જ બનાવવામાં આવી ત્યારે તેણે શૂટિંગ કરવાનું પસંદ કર્યું હતુ.