CWG 2022: ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાની ખેલાડીનો પ્રેરણાસ્ત્રોત ભારતીય ખેલાડી મીરાબાઈ, જાણો શું કહ્યું
પાકિસ્તાનના આ ખેલાડીએ વેટલિફ્ટિંગમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. જેના પછી ભારતીય સુપરસ્ટાર એથલિટ મીરાબાઈ ચાનૂએ હાથ મિલાવીને આ પાકિસ્તાની ખેલાડીને અભિનંદન આપ્યા હતા.
Noah Dastagir Butt On Mirabai Chanu: કોમનવેલ્થ ગેમ્સ 2022 હાલ બર્મિંઘમમાં રમાઈ રહી છે. પાકિસ્તાન માટે એથલિટ નૂહ દસ્તગિર બટ્ટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. પાકિસ્તાનના આ ખેલાડીએ વેટલિફ્ટિંગમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. જેના પછી ભારતીય સુપરસ્ટાર એથલિટ મીરાબાઈ ચાનૂએ હાથ મિલાવીને આ પાકિસ્તાની ખેલાડીને અભિનંદન આપ્યા હતા. મહત્વનું છે કે, મીરાબાઈ ચાનૂ ભારત જ નહી પણ બીજા દેશોમાં પણ પોતાના ચાહકોમાં ઘણી લોકપ્રિય છે.
'મીરાબાઈ ચાનૂ મારા માટે પ્રેરણસ્ત્રોત'
કોમનવેલ્થ ગેમ્સ 2022માં પાકિસ્તાન માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર નૂહ દસ્તગિર બટ્ટે મીરાબાઈ ચાનૂ વિશે મોટું નિવેદન આપ્યું હતું. બટ્ટે કહ્યું કે, જ્યારે મીરાબાઈ ચાનીએ મને અભિનંદન આપ્યા અને મારા પ્રદર્શનના વખાણ કર્યા તે મારા માટે ખુબ જ ગૌરવની ક્ષણ હતી. મીરાબાઈ ચાનૂ મારા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે બતાવ્યું કે, અમે સાઉથ એશિયાના વેટલિફ્ટર પણ ઓલંપિક મેડલ જીતી શકીએ છીએ. મને ખુબ જ ગર્વ થયો હતો જ્યારે તેમણે ટોક્યો ઓલંપિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે નૂહ દસ્તગિર બટ્ટે કહ્યું કે, મને હિન્દુસ્તાન તરફથી પણ ખુબ પ્રેમ મળ્યો છે.
'છેલ્લા 7-8 વર્ષોથી અમે સારા મિત્ર છીએ'
પાકિસ્તાની વેટલિફ્ટર નૂહ દસ્તગિર બટ્ટે કહ્યું કે, અમે છેલ્લા 7-8 વર્ષોથી ઘણા સારા મિત્રો છીએ. વિદેશમાં અમે ઘણી વખત સાથે ટ્રેનિંગ લીધી છે. આ સિવાય અમે લોકો સતત એક-બીજાના સંપર્કમાં રહીએ છીએ. ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ 2022માં પાકિસ્તાન માટે પહેલો ગોલ્ડ મેડલ નૂહ દસ્તગિર બટ્ટે વેટલિફ્ટિંગમાં જીત્યો છે. આ પાકિસ્તાની ખેલાડીએ સ્નૈચમાં 173 કિલો વજન ઉઠાવ્યું હતું. જ્યારે ક્લિન એન્ડ જર્કમાં 232 કિલો વજન ઉઠાવ્યું હતું. બટ્ટે 109 કિલોગ્રામ વર્ગમાં કુલ 405 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.