(Source: Poll of Polls)
શું તમે ગૂગલ, એપલ, ફેસબુક કે ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો? તો થઇ જજો સાવધાન
આ લીક પછી ખતરો ફક્ત એકાઉન્ટ હેકિંગનો જ નથી, પરંતુ તમારા સમગ્ર ડિજિટલ જીવનને અસર થઈ શકે છે

જો તમે ઇન્ટરનેટ યુઝર છો અને ગૂગલ, એપલ, ફેસબુક કે ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઇ જજો. તાજેતરના અહેવાલો અનુસાર, 16 અબજથી વધુ લોગિન વિગતો ઓનલાઈન લીક થઈ છે. આમાં પાસવર્ડથી લઈને યુઝરનેમ સુધીની દરેક જાણકારીનો સમાવેશ થાય છે, જેને સાયબર ગુનેગારો હવે ખુલ્લેઆમ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ મામલો શા માટે ખૂબ ગંભીર છે?
સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા બ્રીચ માનવામાં આવે છે. આમાં સોશિયલ મીડિયા, ઇમેઇલ, કોર્પોરેટ એકાઉન્ટ્સ, VPN અને ડેવલપર્સના પ્લેટફોર્મની લોગિન માહિતી સામેલ છે. એટલે કે, જો તમે ક્યારેય ઇન્ટરનેટ પર કોઈપણ સેવાનો ઉપયોગ કર્યો હોય, તો તમારો ડેટા પણ આ લીકનો ભાગ હોઇ શકે છે.
એકાઉન્ટ પર નિયંત્રણ ગુમાવવાનું જોખમ
આ લીક પછી ખતરો ફક્ત એકાઉન્ટ હેકિંગનો જ નથી, પરંતુ તમારા સમગ્ર ડિજિટલ જીવનને અસર થઈ શકે છે. ફિશિંગ અટેકથી લઇને ડેટા ચોરી અને ઓનલાઈન છેતરપિંડી જેવી ઘટનાઓ હવે વધુ ઝડપથી વધી શકે છે.
આ કંપનીઓના યુઝર્સને સાવધાન રહેવું જોઈએ
ગુગલ અને જીમેલ યુઝર્સ
એપલ આઈડી ધરાવતા યુઝર્સ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ એકાઉન્ટ્સ
ટેલિગ્રામ અને અન્ય ચેટિંગ એપ્સના યુઝર્સ
વીપીએનનો ઉપયોગ કરતા લોકો
જો તમે આમાંથી કોઈપણ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છો, તો સમજો કે તમે પણ આ ધમકીના ચપેટમાં આવી શકો છો.
એકાઉન્ટ સુરક્ષિત રહે તે માટે શું કરવું?
જો તમે લાંબા સમયથી પાસવર્ડ બદલ્યો નથી અથવા ઘણી સાઇટ્સ પર એક જ પાસવર્ડનો ઉપયોગ કર્યો છે, તો હવે તેને બદલવાનો સમય છે.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો. આ સુવિધા સાથે પાસવર્ડ ઉપરાંત, તમારા એકાઉન્ટમાં લોગિન કરવા માટે બીજો સુરક્ષા કોડ જરૂરી રહેશે, જે હેકિંગને ખૂબ મુશ્કેલ બનાવે છે.
પાસકીનો ઉપયોગ કરો. ગૂગલ અને એપલ જેવા પ્લેટફોર્મ હવે પાસકીનો વિકલ્પ આપી રહ્યા છે, જે પાસવર્ડ કરતાં વધુ સુરક્ષિત છે.
જો તમને કોઈ વિચિત્ર ઇમેઇલ, લોગિન સૂચના અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક તમારો પાસવર્ડ બદલો અને સંબંધિત પ્લેટફોર્મને રિપોર્ટ કરો.
ઘણી વખત લોગિન જૂના ફોન અથવા લેપટોપમાં સેવ થાય છે. આવા બધા ન વપરાયેલા ડિવાઇસમાંથી તમારા એકાઉન્ટ્સ સાઇન આઉટ કરો.
ડેટા લીકનો અર્થ ફક્ત તમારા પાસવર્ડની ચોરી જ નથી, પરંતુ તે તમારા અંગત જીવન, પૈસા અને ઓળખ માટે પણ ખતરો બની શકે છે. તો હમણાં જ સાવધાન રહો.





















