હવે FASTag અપડેટ કરવું બન્યું સરળ! NHAI એ લાગુ કરી નવી KYC સિસ્ટમ, જાણો શું કરવું પડશે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ FASTag વપરાશકર્તાઓ માટે KYC પ્રક્રિયાને સરળ બનાવી છે.

જો તમે વારંવાર હાઇવે પર વાહન લઈને FASTag નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ FASTag વપરાશકર્તાઓ માટે KYC પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે, બિનજરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની કોઈ ઝંઝટ નથી કે એકાઉન્ટ બંધ થવાનો ભય પણ નથી! નવા નિયમો સાથે ગ્રાહકો માટે FASTag ચકાસણી પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી બની ગઈ છે.
નવો નિયમ શું છે ?
ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) ના નવા માર્ગદર્શિકા અનુસાર, KYC પ્રક્રિયા માટે હવે વાહનનો સાઈટ ફોટો અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. આનો અર્થ એ છે કે વાહનનો ફક્ત આગળનો ફોટો અપલોડ કરવાની જરૂર પડશે, જેમાં સ્પષ્ટપણે FASTag અને નંબર પ્લેટ દેખાશે. વધુમાં, વપરાશકર્તા વાહન નંબર, ચેસિસ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરતાની સાથે જ સિસ્ટમ 'વાહન પોર્ટલ' પરથી વાહનનો RC ડેટા આપમેળે મેળવશે. જો વપરાશકર્તાના નામ અથવા મોબાઇલ નંબર હેઠળ એક કરતાં વધુ વાહન નોંધાયેલા હોય તો તેઓ કયા વાહન માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે તે પસંદ કરી શકશે. આનાથી ખોટી માહિતી અથવા દસ્તાવેજો અપલોડ કરવાની શક્યતા દૂર થશે.
જૂના ફાસ્ટેગ પર કોઈ અસર નહીં
નવા KYC નિયમો લાગુ થયા હોવા છતાં જૂના ફાસ્ટેગ વપરાશકર્તાઓએ ચિંતા કરવાની જરૂર નથી. NHAI એ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી દુરુપયોગ અથવા અનિયમિતતાની કોઈ ફરિયાદ ન આવે ત્યાં સુધી જૂના ફાસ્ટેગ સક્રિય રહેશે. જો કે, બેંકો સમયાંતરે વપરાશકર્તાઓને તેમના KYC પૂર્ણ કરવાનું યાદ અપાવતા SMS ચેતવણીઓ મોકલશે.
જો તમને KYC સમસ્યાનો સામનો કરવો પડે તો શું ?
જો કોઈ ગ્રાહકને KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં અથવા દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો જારી કરનાર બેંક પહેલ કરશે અને ગ્રાહકને પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે. વધુમાં, વપરાશકર્તાઓ તેમની ફરિયાદ નોંધાવવા અથવા માહિતી મેળવવા માટે નેશનલ હાઇવે હેલ્પલાઇન 1033 પર કૉલ કરી શકે છે.
ફાસ્ટેગ અને KYC શું છે ?
FASTag એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) આધારિત ઉપકરણ છે જે વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવામાં આવે છે. આ આપમેળે ટોલ ટેક્સ કાપે છે અને વાહનને રોકાયા વગર ટોલ પ્લાઝા પાર કરવાની મંજૂરી આપે છે. KYC એ એક નિયમનકારી પ્રક્રિયા છે જેમાં વાહનના ફોટા અને વિગતો અપલોડ કરવાની જરૂર પડે છે જેથી ખાતરી થાય કે FASTag યોગ્ય વાહન પર ઇન્સ્ટોલ થયેલ છે.
KYC ચકાસણી શા માટે જરૂરી છે ?
HDFC અને ICICI બેંકની વેબસાઇટ્સ અનુસાર, KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. જો વાહનનું KYC અધૂરું અથવા ખોટું જણાય, તો બેંક FASTag ને 'હોટલિસ્ટ' કરી શકે છે, એટલે કે ટેગ કામ કરવાનું બંધ કરી દેશે અને તમારે ટોલ પર રોકડ ચૂકવવાની જરૂર પડશે. એકવાર સાચા દસ્તાવેજો અપલોડ થઈ ગયા પછી, FASTag ફરીથી સક્રિય થઈ જશે.





















