Google Payમાં QR કોડમાંથી મળશે મુક્તિ, જાણો શું આવ્યું નવુ ફિચર
આ ફીચર અંગે કંપનીએ જણાવ્યું કે, સરળતાથી પેમેન્ટ કરવા માટે ટેપ ટુ પે ફીચર જાહેર કરવામાં આવ્યું છે.
Google Payએ તેના યુઝર્સ માટે એક નવું ફિચર લોન્ચ કર્યું છે. કંપનીએ તેને Tap to Pay નામ આપ્યું છે. તે યુઝર્સને માત્ર એક ટેપથી પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. જેની મદદથી તમે તમારા ફોનને POS મશીન પર ટેપ કરીને પેમેન્ટ કરી શકો છો.
Google Pay ના ટેપ ટુ પે વિકલ્પનો ઉપયોગ કરીને UPI દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ ફીચર અંગે કંપનીએ જણાવ્યું કે, સરળતાથી પેમેન્ટ કરવા માટે ટેપ ટુ પે ફીચર જાહેર કરવામાં આવ્યું છે.
આ ફિચરને તમે બેંક કાર્ડ્સ પર જોયું હશે જ્યાં યુઝર્સને POS મશીન પર કાર્ડને ટેપ કરીને પેમેન્ટ કરી શકે છે. આ પ્રકારનું પેમેન્ટ ફંક્શન અગાઉથી સેમસંગ પે પર ઉપલબ્ધ છે. Google Pay એ Pine Labs સાથે મળીને આ સુવિધા શરૂ કરી છે.
કંપનીએ કહ્યું છે કે QR કોડ સ્કેન કરવા અથવા UPI-લિંક્ડ મોબાઇલ નંબર આપવાને બદલે, યુઝર્સે પેમેન્ટ કરવા માટે POS ટર્મિનલ પર ફક્ત ફોનને ટેપ કરવો પડશે. આ પછી યુઝરે પોતાનો UPI પિન એન્ટર કરવાનો રહેશે અને પેમેન્ટ પ્રોસેસ પૂરી થઈ જશે. ગૂગલે કહ્યું છે કે આ ફંક્શનનો ઉપયોગ કોઈપણ UPI વપરાશકર્તા કરી શકે છે જેની પાસે NFC- સક્ષમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે. યુઝર્સ સમગ્ર દેશમાં પાઈન લેબ્સ એન્ડ્રોઇડ POS પર તેમના સ્માર્ટફોનમાંથી ટેપ કરી શકે છે અને પેમેન્ટ કરી શકે છે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા તમારા Android સ્માર્ટફોનમાં NFC ટેક્નોલોજીને અનેબલ કરવી પડશે. આ માટે તમારે ફોનના સેટિંગમાં જઈને કનેક્શન સેટિંગમાં જવું પડશે. તમે સેટિંગ્સમાં જઈને પણ તેને સર્ચ કરી શકો છો. જો તમારા ફોનમાં NFC છે તો તમને સર્ચ કર્યા પછી તેનો વિકલ્પ દેખાશે. તમે તેને અનેબલ કરી દો. પછી તમે Google Pay ના નવા ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તમારો ફોન અનલોક કરવો પડશે.
આ પછી તમારે પેમેન્ટ ટર્મિનલ પર ફોનને ટેપ કરવાનું રહેશે. તે હાલમાં ફક્ત પાઈન લેબ ટર્મિનલને જ સપોર્ટ કરે છે. ફોન ટર્મિનલ પરથી ટેપ થતાં જ Google Pay ઑટોમૅટિક ખુલશે. ત્યાર બાદ રકમ કન્ફર્મ કરો અને Proceed પર ક્લિક કરો. પેમેન્ટ પૂર્ણ થશે