Google Alert: પાસવર્ડથી હવે કામ નહીં ચાલે, ટેક દિગ્ગજે બતાવી લોગિનની સૌથી સલામત રીત
શું તમે હજુ પણ તમારા Gmail એકાઉન્ટ માટે જૂના પાસવર્ડ અથવા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જેવી જૂની સુરક્ષા પદ્ધતિઓ પર નિર્ભર છો? તો સાવચેત રહો.

શું તમે હજુ પણ તમારા Gmail એકાઉન્ટ માટે જૂના પાસવર્ડ અથવા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જેવી જૂની સુરક્ષા પદ્ધતિઓ પર નિર્ભર છો? તો સાવચેત રહો. ગૂગલે (Google) આ માટે ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે હવે આ ઓથેન્ટિકેશન પદ્ધતિ એટલી સલામત નથી. ટેક જાયન્ટ કહે છે કે આના બદલે તમારે પાસકી (Passkeys) અથવા સોશિયલ સાઇન-ઇન જેવા નવા વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ, જે વધુ સુરક્ષિત છે. ફોર્બ્સના એક રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 61 ટકા ઇમેઇલ વપરાશકર્તાઓ સાયબર હુમલાનો ભોગ બન્યા છે અને એવું માનવામાં આવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાયબર ક્રાઇમે(Cyber crime) આમાં મોટી ભૂમિકા ભજવી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ ....
ગુગલે આ સલાહ આપી
ખરેખર ટેક જાયન્ટ કહે છે કે પાસવર્ડ હવે સુરક્ષિત નથી. ગૂગલ સ્પષ્ટપણે કહે છે કે પાસવર્ડ જાળવવા મુશ્કેલ છે, પાસવર્ડ ફક્ત યાદ રાખવા જ મુશ્કેલ નથી, પરંતુ ફિશિંગનો શિકાર પણ બની શકે છે. આ સાથે ડેટા લીક સમયે તે પણ સામે આવે છે. આવી સ્થિતિમાં, હવે ગૂગલ પાસકી (Passkeys) જેવા નવા વિકલ્પો પર સ્વિચ કરવાની સલાહ આપી રહ્યું છે. સુરક્ષાના કારણોસર ઝડપથી લોકો પાસકી પર સ્વિચ થઈ રહ્યા છે.
આ પાસકી(Passkeys) શું છે ?
જેમને પાસકી(Passkeys) વિશે ખબર નથી, તેમને જણાવી દઈએ કે આ એક નવી લોગિન સિસ્ટમ છે. આ નવી લોગિન સિસ્ટમમાં તમે પાસવર્ડને બદલે ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા પેટર્ન લોક જેવા બાયોમેટ્રિક ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરી શકો છો. આ પદ્ધતિ તમને ફિશિંગ હુમલાઓથી બચાવી શકે છે કારણ કે આમાં વપરાશકર્તાને તે જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેના દ્વારા તે સ્માર્ટફોનને અનલોક કરે છે.
વૃદ્ધ લોકોને બદલાવમાં મુશ્કેલીઓ
ગુગલના એક રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે યુવા પેઢી ઝડપથી પાસકી તરફ સ્વિચ કરી રહી છે અને સોશિયલ મીડિયા સાઇન-ઇન જેવા સુરક્ષિત વિકલ્પો અપનાવી રહી છે, જ્યારે વૃદ્ધ વપરાશકર્તાઓ હજુ પણ જૂની પાસવર્ડ સિસ્ટમ છોડવા તૈયાર નથી, જે તેમના માટે વધુ જોખમ ઊભું કરી શકે છે.





















