(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છઃ વધુ એક જવાને કર્યો BSFમાં ચાલતા ભ્રષ્ટાચારનો ખુલાસો, વીડિયો બનાવી FB પર કર્યો પોસ્ટ
ભૂજઃ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાન તેજબહાદુર અને સીઆરપીએફના જવાનોએ પોતાને મળતા ખરાબ ભોજનનો ખુલાસો કર્યા બાદ વિવાદ પેદા થયો હતો ત્યારબાદ વધુ એક જવાને બીએસએફમાં ચાલતા ભ્રષ્ટાચારનો ખુલાસો કરતા વિવાદ ઉભો થયો છે.
ગાંધીધામમાં ફરજ બજાવતા બીએસએફ જવાને ભ્રષ્ટચારની સાબિતી આપતો એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો છે. નવરત્ન ચૌધરી નામના આ જવાને પ્રજાસત્તાક દિને ફેસબુક પર પોતાની વોલ પર આ વીડિયો ક્લીપ પોસ્ટ કરી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે, બીએસએફમાં અંગ્રેજોના જમાના જેવી સરમુખત્યારશાહી પ્રવર્તી રહી છે. એકતરફ દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો થઇ રહી છે, તો બીજીતરફ બીએસએફના અધિકારીઓ જવાનોને મળતા શરાબનો ગેરકાયદે વેપલો કરે છે. જો કોઇ જવાન ફરિયાદ કરે તો તેની બદલી કરી દેવાય છે.
નવરત્ન ચૌધરીએ આ વીડિયો પોસ્ટ કરતાની સાથે લખ્યું હતું કે “દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વેચાઇ રહી છે બીએસએફની દારૂ”
નવરત્ન ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે બધા નીતિ-નિયમો માત્ર જવાનો માટે જ બનાવવામાં આવ્યા છે.150 બટાલિયનમાં કામ કરતો આ જવાન ગાંધીધામ ખાતે તૈનાત છે.
બીએસએફ અધિકારીઓ જવાનોના શરાબનું આમ જનતાને વેચાણ કરતા હોય તેવા પુરાવા સાથેની એક વીડિયો ક્લીપ નવરત્ન ચૌધરીએ પોસ્ટ કરી છે.
નોંધનીય છે કે તેજબહાદુરે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ બાદ જવાનોને સોશિયલ મીડિયામાં કોઇપણ પ્રકારની ફરિયાદ ન મુકવા સ્પષ્ટ સૂચના અપાઇ હતી અને કોઇ પણ ફરિયાદ આર્મી ચીફને કરવાની સુચના અપાઇ હતી.