સ્માર્ટ સિટી માટે વધુ 30 શહેરોના નામની જાહેરાત, ગુજરાતના આ ત્રણ શહેરોનો સમાવેશ
નવી દિલ્હીઃ શહેરી વિકાસ મંત્રી વૈકેયા નાયડુએ વધુ 30 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસિત કરવાની જાહેરાત કરી છે. આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોના સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ, દાહોદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ અગાઉ રજૂ કરવામાં આવેલા 3 સ્માર્ટ સિટીના લિસ્ટમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આજે જાહેર કરવામાં આવેલા 30 શહેરોની પસંદગી સ્પર્ધા દ્ધારા કરવામાં આવી છે. આ યાદીમાં તિરુવનંતપુરમ શહેર પ્રથમ અને નયા રાયપુર બીજા સ્થાન પર છે. ઉત્તરપ્રદેશના ઇલાહાબાદ, અલીગઢ અને ઝાંસીને સ્માર્ટ સિટી તરીકે પસંદ કરવામાં આવી છે.
નાયડૂએ જણાવ્યું કે, સ્માર્ટ સિટીની સાથે સાથે અમૃત શહેરોની યાદીમાં સામેલ 500 શહેરોમાં પણ વિકાસ પરિયોજનાઓ ચાલી રહી છે. 147 શહેરોમાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ પણ મળી ચૂક્યા છે. દેશના 18 રાજ્યોએ તો કંસલ્ટેન્ટ નિયુક્ત કરી દીધા છે જેથી પરિયોજનાને એક્સપર્ટની દેખરેખમાં લાગુ કરી શકાય. સ્માર્ટ સિટી યોજના હેઠળ આ 30 શહેરો પર 57,393 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કુલ મળીને 90થી વધુ સ્માર્ટ શહેરોની જાહેરાત કરી દેવામાં આવી છે જેનો ખર્ચ 1,91,155 કરોડ રૂપિયા થશે.
નાયડૂએ જણાવ્યું કે, પ્રાઇવેટ ક્ષેત્રની મનમાની રોકવા નવા નિયમ અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. આ માટે કેબિનેટે RERA બિલને મંજૂરી આપી દીધી છે. સંસદના આગામી સત્રમાં તેને રજૂ કરવામાં આવશે.