ફી પર નિયંત્રણ લાવવાના બિલ બાદ સ્કૂલ સંચાલકોએ કરી બેઠક, જાણો શું લીધા મહત્વના નિર્ણયો
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્ધારા ખાનગી સ્કૂલો પર ફી નિયંત્રણ લાદ્યા બાદ ખાનગી સ્કૂલોના સંચાલકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. ઉંચી ફી વસૂલતા સ્કૂલ સંચાલકો પ્રત્યે કડક વલણ અપનાવ્યા બાદ સ્કૂલના સંચાલકો હરકતમાં આવ્યા છે અને ફિ નિયમન બિલને લઇને રણનીતિ ઘડવાની તૈયારીઓ શરૂ કરી છે.
આ બિલને લઇને આગળ શું કાર્યવાહી કરવી તેને લઇને ચર્ચા કરવા માટે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંચાલક મહામંડળ સક્રિય બન્યું છે. અમદાવાદ ખાતે સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મહામંડળના રાજ્યભરના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. જેમાં ફી રેગ્યુલેશન બિલ અંગે સંચાલકોએ અણગમો વ્યક્ત કર્યો હતો.
સંચાલક મંડળે સંચાલકોને વાલીઓ, પૂર્વ વિદ્યાર્થી સાથે બેઠક યોજી બિલ અંગે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત સરકારને રજૂઆત કરી બિલ અંગે વચગાળાનો રસ્તો અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. સંચાલક મંડળે સ્કૂલના સંચાલકોને વાલીઓ પાસે કોઇ ચોક્કસ સ્થળ પરથી યુનિફોર્મ, બૂટ થતા સાહિત્ય ખરીદવાનો આગ્રહ ન કરવા માટે પણ સૂચન કર્યુ છે.
જો સંચાલકો આ પ્રકારે વાલીઓ પાસે દબાણ કરે તો મંડળમાંથી હાંકી કાઠવાની તૈયારી પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંચાલક મહામંડળે દર્શાવી હતી.