Hu to Bolish | હું તો બોલીશ | શહેર કે વોટરપાર્ક?
મહેસાણા જિલ્લામાં વરસ્યો મૂશળધાર વરસાદ. 6 ઈંચ વરસાદમાં મહેસાણા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણા શહેરનું ગોપીનાળું અને ભમ્મરીયા નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. જેને લઈને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભમ્મરીયા નાળું ભરાઈ જતા 30થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા. જોકે, સ્થાનિકોએ તમામને સલામત સ્થળે ખસેડ્યા. બી.કે રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ થયા તો બીજી તરફ વરસાદી પાણી લોકોની દુકાનોમાં ઘૂસી ગયું. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે રામોસણા વિસ્તારની સોસાયટીઓના આગળ પાણી ભરાયા. મોઢેરા ચાર રસ્તા પાસે કેડસમા પાણી ભરાયા. મોઢેરા ચોકડીથી દિવ્યાસણ તરફનો રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાઈ જતા વાહનો બંધ પડી ગયા. મોઢેરા અંડરપાસમાં પણ પાણી ઘૂસતા વાહનચાલકો માટે અંડરપાસ બંધ કરવો પડ્યો. મોઢેરા રોડ પર નાના વાહનો જઈ ન શકતા લોકોએ ટ્રેકટરનો સહારો લેવો પડ્યો. તો વીજાપુરમાં પાંચ ઈંચ. જોટાણામાં ચાર ઈંચ, વડનગર અને ઊંઝામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. બેચરાજીમાં અઢી ઈંચ, સતલાસણા અને ખેરાલુમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો. વીસનગરમાં સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના બે જ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસી જતા ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા. માયા બજાર, ગોલવાડ સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા. વરસાદને લઈને વીજાપુરનો ટીબી રોડ પાણીમાં ગરકાવ થયો. માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. વીજાપુર તાલુકાના વસઈ બસ સ્ટેન્ડ પાસે ઢીંચણસમા પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા.