Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?
ધૂળ લાગેલું અને ફાટેલું ટી-શર્ટ પહેરીને ઉભેલો આ મહાશય છે ખ્યાતિ હોસ્પિટલકાંડનો આરોપી ડૉ. સંજય પટોળિયા. જેની આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી. ડૉ. સંજય પટોળિયા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટી પાસે પોતાના એક મિત્રને મળવા માટે જઈ રહ્યો હતો. આ સમયે તેને પકડી લેવાયો. તેની સામે ગુનો નોંધાતા જ તે પોતાનો મોબાઈલ રાજકોટમાં પોતાની ગાડીમાં મુકી ઉદયપુર, નાથદ્વારા, અજમેર, પાલી, જયપુર અને દિલ્લી ભાગી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, તે એક શહેરથી બીજા શહેરમાં ખાનગી બસોમાં જતો. જો એક શહેરમાં એક દિવસથી વધુ રોકાણ કરવાનું હોય તો તે અલગ-અલગ હોટેલમાં રોકાતો. ખ્યાતિ હોસ્પિટલનો 39% હિસ્સો સંજય પટોળિયાના નામે છે. પોતાની કંપની બંધ થઈ જતાં તેણે વર્ષ 2021માં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, પ્રદીપ કોઠારી સાથે મળી ખ્યાતિ હોસ્પિટલ ખોલી હતી. તેની પૂછપરછમાં ખુલ્યું કે, દર્દીઓની સારવાર અંગેના તમામ નિર્ણય તે પોતે લેતો હતો. ડૉક્ટરની ભરતી અંગેના નિર્ણય પણ પોતે કરતો. વર્ષ 1999થી 2002 સુધી તેણે રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. બાદમાં 2003 થી 2006 દરમિયાન રાજકોટની પદ્મકુંવરજી હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કર્યું. ડૉ. સંજય પટોળિયા પકડાતા ખ્યાતિ હોસ્પિટલકાંડના કુલ 7 આરોપી પકડાયા છે. જો કે, કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ ફરાર છે.