Hu to Bolish | હું તો બોલીશ | ભૂલ અધિકારીની, કરંટ કર્મચારીને
રાજ્યની વીજ કંપનીઓના કમર્ચારી સંગઠન જીવલેણ અકસ્માત અને અધિકારીઓની ગંભીર બેદરકારીને લઇ ભારોભાર રોષે ભરાયા છે. સંગઠનના દાવા પ્રમાણે રાજ્યની સરકારી વીજ કંપનીઓમાં અંદાજે 60 હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે, પણ ચોંકાવનારી બાબત એ છે કે વર્ષે દહાડે લગભગ 200થી 250 આવા જીવલેણ અકસ્માતો બનતા હોય છે જેમાં ફિલ્ડ ઉપરના વીજકર્મચારીનું મૃત્યુ પણ નીપજે છે. નજીકના સમયમાં જ આવી ત્રણેક ઘટનાઓ સામે આવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન એટલે કે જેટકોના એમ ડી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ પત્ર લખી કેટલાક ગંભીર મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. આ રજૂઆતોમાં જણાવેલી હકીકત મુજબ ગત 20 જુલાઈના રોજ જામનગર સર્કલના દ્વારકાના વરવાળા 66 કેવી સબ સ્ટેશનમાં દુર્ઘટના સર્જાઈ હતી. આ સબ સ્ટેશનની દીવાલો અને છત અચાનક તૂટી પડી હતી.. તે વખતે કંટ્રોલ રૂમ માં કમર્ચારીઓનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. આ કંટ્રોલરૂમ તરીકે ઉપયોગમાં લેવાતું આ બિલ્ડીંગ વર્ષ 1977માં બન્યું હતું એટલે કે 47 વર્ષ જૂનું હતું આ બાંધકામ.. કંપનીના નિયમોનુસાર કોઈ પણબિલ્ડીંગને 30 વર્ષ થાય એટલે તેનો નાશ કરવાનો હોય છે. તો પછી આવા જુના અને જર્જરિત બિલ્ડીંગને લઇ સિવિલ વિભાગના સુપર વિઝનના અધિકારીઓએ કેમ કોઈ દરકાર લીધી નહિ ? 30 વર્ષ બાદ પણ બિલ્ડીંગની ક્ષમતા સારી છે કે નહિ તે જાણવા બિલ્ડીંગના મટીરીયલ્સનું ટેસ્ટિંગ કરવું જરૂરી હોવા છતાં તે પણ નહિ કરાયું હોવાનો આરોપ કામદાર સંઘ લગાવી રહ્યું છે આ દુર્ઘટનાના કારણે દ્વારકાના 50 ટકા ગામડાઓમાં વીજ પૂર્વઘો ખોરવાયો હતો અને અંદાજે 12 હજાર વીજ ગ્રાહકો વીજ પુરવઠાથી વંચિત રહ્યા હતા. આવી ગંભીર બેદરકારી દાખવનાર સિવિલ વિભાગના આ અધિકારીઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે અને કોણ બચાવી રહ્યું છે એવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે .