Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકા
ખંભાળિયા નગરપાલિકા. જેની સ્થિતિ બની ગઈ છે કંગાળ. ગમે ત્યારે વીજ કનેક્શન કાપવામાં આવે. તેવી સ્થિતિ બની ગઈ છે. ખંભાળિયા નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પણ પૈસા નથી. 84 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવાનું બાકી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે, વીજ બિલ ભરવા માટે ખંભાળિયા નગરપાલિકાને લોન લેવાનો ઠરાવ કરવો પડ્યો. મોટા-મોટા તાયફા કરી બિનજરૂરી ખર્ચ કરવાના પૈસા છે. પરંતુ પ્રજાની સુખાકારી માટે પૈસા નથી. તેવો લોકો આરોપ લગાવી રહ્યા છે.
હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો છ નગરપાલિકાનું કુલ 120 કરોડ રૂપિયાનું વીજ બીલ બાકી છે. તે પૈકી સુરેન્દ્રનગર-વઢવાણ અને દૂધરેજ સંયુક્ત પાલિકાનું જ વોટર સપ્લાય, સ્ટ્રીટલાઈટ અને અન્ય મળી કુલ 60 કરોડ રૂપિયાનું વીજ બીલ બાકી છે. ધ્રાંગધ્રા, પાટડી, લીંબડી, થાન અને ચોટીલા પાલિકાનું મળી 60 કરોડનું વીજ બીલ બાકી છે.
મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા. મોરબી, હળવદ અને માળિયા(મીં) પાલિકા. જે પૈકી મોરબી પાલિકાનું 11 કરોડ 30 લાખનું વીજ બીલ બાકી છે. તો હળવદ પાલિકાનું 15 કરોડનું વીજ બીલ બાકી છે.. તો માળિયા (મીં) પાલિકાનું 5 કરોડનું વીજ બીલ બાકી છે.
મહિસાગર જિલ્લાની બાલાસિનોર પાલિકા. જેને મધ્ય ગુજરાત વીજ કંપનીને 4 કરોડ રૂપિયાનું બીલ ચૂકવવાનું બાકી છે. શહેરી વિકાસ વિભાગ તરફથી 3.75 કરોડ રૂપિયા વીજબીલ માફી પ્રોત્સાહક યોજના અંતર્ગત સરકાર પાલિકાને આપશે તેવો ચીફ ઓફિસરે દાવો કર્યો.