Hun to Bolish | હું તો બોલીશ | પાયામાં જ ભ્રષ્ટાચાર
સુરતમાં મેટ્રો ફેઝ-2ના ઉદ્ઘાટન પહેલા જ મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા. સારોલી પાસે સોમવારે રાત્રે દોઢ વાગ્યે લગાવેલો સ્પાન મંગળવારની બપોરે તૂટી ગયો. જેને લઈને પર્વત પાટિયાથી કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો હતો. જો કે હવે ચાલુ કરી દેવામાં આવ્યો છે. મેટ્રોના જનરલ મેનેજર કર્નલ જ્યોતિન્દ્ર ચૌહાણ નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચ્ચા. તેમનું કહેવું હતું કે, આખો સ્પાન નહીં ઉતારવામાં આવે, માત્ર ડેમેજ થયેલો સ્પાન કાઢી સમારકામ કરાશે. અને ફરી જોઈન્ટ કરાશે. બીજી તરફ મેટ્રો પ્રશાસને સમગ્ર મુદ્દે દિલીપ બિલ્ડકોન કંપનીને શોકોઝ નોટિસ ફટકારીને પૂછવામાં આવ્યું છે કે, જ્યારે આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે હાઈડ્રોલિક દબાણ કેવી રીતે વધ્યું?. લોન્ચર ઓપરેટરે દબાણ વધારવા અને ઘટાડવાના માપદંડ હોય છે ત્યારે આ તમામ પ્રકારના માપદંડનું પાલન કેમ કર્યું નથી?. સાથે કંપનીને પૂછવામાં આવ્યું છે કે, જ્યારે એક બાદ એક 11 જેટલા સ્પાન હતા તો સેગમેન્ટમાં નાંખવામાં આવેલા કેબલ યોગ્ય હતા કે નહીં? કેબલ કેવી રીતે વિસ્થાપિત થયો?. જ્યારે હાઈડ્રોલિક દબાણ વધી રહ્યું હતું અને અન્ય ભાગો નમી રહ્યા હતા તો આવી સ્થિતિમાં નિરીક્ષક ટીમ ક્યાં હતી?. તો આ તરફ ઘટનાના કારણોને સમજવા દિલ્હીની એક્સપર્ટ એન્જીનિયર્સની ટીમ સુરત પહોંચી અને બ્રિજના ડિઝાઈન સહિતના પાસાઓનો અભ્યાસ શરૂ કર્યો છે. સુરત મેટ્રોનું 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. મજૂરાથી સરોલી વચ્ચે 8.02 કિમીમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દિલીપ બિલ્ડકોન લિમિટેડને નિર્માણ માટે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર જારી કર્યો છે.