Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપ
રિઝર્વ બેન્કે તૈયાર કરેલી વર્કિંગ પેપર સિરિઝમાં સૌથી વધુ રસોઈમાં વપરાતા ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવને લઈને એક રિપોર્ટ જાહેર કરાયો છે. TOP એટલે કે ટામેટા, ઓનિયન અને પોટેટોને અનુલક્ષીને મોંઘવારીમાં કેટલો વધારો થાય છે તેના ઉપર એક અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે, ટામેટા, ડુંગળી અને બટાટાની ખેતી કરતા ખેડૂતો કરતા છૂટક વેપારી, હોલસેલર્સને વધુ વળતર મળે છે. ટામેટાના છૂટક ભાવના 33 ટકા, ડુંગળીમાં 36 ટકા અને બટાટામાં 37 ટકા નાણા ખેડૂતોના હિસ્સામાં આવે છે. છૂટક વેપારી અને હોલસેલર્સ 65 ટકાથી વધુ વળતર લઈ જાય છે. ત્રણથી 6 મહિનાની મહેનત પછી ખેડૂતોને જે ભાવ મળે છે તેના કરતા બમણું માત્ર 6 કલાકની મહેનતમાં હોલસેલર્સ અને રિટેઈલર્સ મેળવી લે છે. મોંઘવારીમાં આ ત્રણ કોમોડિટીને કારણે ઉછાળો પણ જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ખેતઉપજની વેલ્યુ ચેઈનમાં સુધારો લાવવા માટે માર્કેટિંગ રિફોર્મ કરવા જરૂરી છે. ખેત ઉપજનો સંગ્રહ કરવાની વ્યવસ્થાને વધુ સંગીન બનાવવી તથા ફૂડ પ્રોસેસિંગની ક્ષમતામાં વધારો કરવો પણ એટલો જ જરૂરી છે. ક્લાઈમેન્ટ ચેન્જની ઓછામાં ઓછી અસર પડે તેવી વેરાયટીઓ ડેવલપ કરવી. ખેતી કરવા માટેની ઈનોવેટિવ ટેક્નિક લાવવી. તેમ જ ખેત ઉપજના આખરી વપરાશકાર મારફતે ખર્ચવામાં આવતા ખેતઉપજ ખરીદવા માટેના એક રૂપિયામાંથી ખેડૂતોને અત્યારે મળતા હિસ્સા કરતા વધુ મોટો હિસ્સો મળવો જરૂરી છે. દેશમાં ટામેટા, ડુંગળી અને બટાટાનું ઉત્પાદન અને વપરાશ સૌથી વધુ થાય છે. તેના પાકની સીઝન નાની રહેતી હોવાથી તેના ભાવમાં નોંધપાત્ર વધઘટ આવતી રહે છે..