Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડી પુત્રોને પિતાના આશીર્વાદ?
દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસે મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ બાદ બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરી. મનરેગા યોજના હેઠળ થયેલા 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં પોલીસ તપાસ ચાલુ છે. અત્યારસુધી કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી. કિરણ ખાબડની સાથે પોલીસે એજન્સી માલિક પાર્થ બારીયા, દેવગઢ બારીયાના APO દિલીપ ચૌહાણ અને ધાનપુરના તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી અને હાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એન.રાઠવાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ બંન્ને પુત્રોની ધરપકડ બાદ સરકારના મંત્રી બચુ ખાબડ આજે સચિવાલય ન આવ્યા. આજે દિવસ દરમિયાન બચુ ખાબડ પોતાના કાર્યાલય જ આવ્યા નથી.
મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની ધરપકડ થતા વિપક્ષે પણ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ મંત્રી બચુ ખાબડને તાત્કાલિક અસરથી મંત્રી પદેથી હટાવવાની માગ કરી. સાથે જ બચુ ખાબડને ત્યાં ઈડી અને સીબીઆઈની તપાસ થશે કે તેવો સરકારને સવાલ કર્યો. સાથે જ SITની નિમણુંક કરી તટસ્થ તપાસ થાય તો કૌભાંડનો આંકડો 200 કરોડ સુધી પહોંચે તેવો દાવો કર્યો..





















